Wed Aug 26 2026

Logo

ગુજરાત ઈલેક્ટ્રોનિક પોલિસી અંતર્ગત રાજ્યમાં કેટલી અરજી મંજૂર થઈ? કેટલા કરોડનું રોકાણ આવવાની સંભાવના

2026-03-11 14:48:00
Author: Mayur Patel
ગુજરાત ઈલેક્ટ્રોનિક પોલિસી અંતર્ગત રાજ્યમાં કેટલી અરજી મંજૂર થઈ? કેટલા કરોડનું રોકાણ આવવાની સંભાવના

ગાંધીનગરઃ ગુજરાતમાં રોકાણકારો રોકાણ કરવા આકર્ષાય તે માટે રાજ્ય સરકાર સમયાંતરે વિવિધ પોલિસીની જાહેરાત કરે છે. ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત ઈલેક્ટ્રોનિક પોલિસી (2022-28) અંતર્ગત મળેલી અરજીનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

કયા ધારાસભ્યએ પૂછ્યો પ્રશ્ન

અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ પૂછ્યું કે,  31-12-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગુજરાત ઈલેક્ટ્રોનિક્સ પોલિસી (2022-28) અંતર્ગત કેટલી અરજી મળેલી છે અને કેટલું રોકાણ આવવાની સંભાવના છે?

તેમના સવાલનો જવાબ આપતાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રીએ જણાવ્યું કે, ગુજરાત ઈલેક્ટ્રોનિક્સ પોલિસી (2022-28) અંતર્ગત છેલ્લા બે વર્ષમાં 41 અરજી મળેલી છે, જેમાંથી 23 અરજીઓને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ઈલેકટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અત્યાર સુધી કુલ અંદાજિત રૂ. 31,340 કરોડનું રોકાણ આવવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, 2022માં રાજ્ય સરકારે નવી ઈલેક્ટ્રોનિક્સ પોલિસી (2022-28) જાહેર કરી હતી. જેનો ઉદ્દેશ 2028 સુધીમાં ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઈન એન્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં 10 લાખ નવી રોજગારીના સર્જનનો છે. જેમાં 20 ટકા જેટલી મહત્તમ મૂડી સહાય સરકાર દ્વારા અપાશે. સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીમાં 100 ટકાનું વળતર મળશે. પાંચ વર્ષ માટે ટર્મ લોન પર 7 ટકા સુધીની વ્યાજની વાર્ષિક રૂ. 10 કરોડ સુધીની સહાય મળવા પાત્ર થશે. આત્મનિર્ભર ગુજરાત રોજગાર સહાય તરીકે ઈપીએફ પર 100 ટકા સુધીના રાહત મળશે.