નેશનલ

એમપી-છત્તીસગઢમાં કૌભાંડના મુદ્દાઓની ચૂંટણી પર કેટલી અસર પડશે?

રાયપુરઃ છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાની 70 બેઠકો તથા મધ્યપ્રદેશમાં તમામ 230 બેઠક માટે 17 નવેમ્બરે મતદાન યોજાનાર છે. બંને રાજ્યોમાં ચૂંટણી પ્રચારના પડઘમ આજે સાંજ સુધીમાં શાંત થઇ જશે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. બંને પક્ષોએ ભ્રષ્ટાચાર સહિતના અનેક મુદ્દાઓનો તેમના પ્રચારને આક્રમક બનાવવા માટે ભરપૂર ઉપયોગ કર્યો છે.

છત્તીસગઢમાં ભાજપે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ સામે મહાદેવ એપ કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો. તો બીજી બાજુ મધ્ય પ્રદેશમાં, કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરના પુત્ર દેવેન્દ્ર તોમરના એક વાયરલ વીડિયોને લઈને કોંગ્રેસે ભાજપને ઘેર્યું છે.
નવેમ્બરના શરૂઆતમાં કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરના મોટા પુત્ર દેવેન્દ્ર પ્રતાપ સિંહ તોમરનો એક વીડિયો વાયરલ થયો હતો.

આ વાયરલ વીડિયોમાં તેઓ કથિતપણે નાણાંની લેવડ-દેવડને લઈને કોઇની સાથે સંવાદ કરી રહ્યા છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષના મીડિયા કોઓર્ડિનેટર પીયૂષ બબેલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયો શેર કર્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે દેવેન્દ્ર તોમર કોઇ મોટા ઉદ્યોગપતિ સાથે ફોન પર કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન વિશે વાત કરી રહ્યા હતા. વીડિયોમાં તે વ્યક્તિ ટ્રાન્ઝેક્શન માટે પાંચ અલગ-અલગ એકાઉન્ટની વિગતો માંગી રહ્યો છે અને સમય પૂછી રહ્યો છે.

આ વીડિયોને વાયરલ થયા બાદ 13 નવેમ્બરે દેવેન્દ્ર તોમર 500 કરોડ રૂપિયાની લેવડદેવડની વાતચીત કરી રહ્યા હોય તેવો વધુ એક વીડિયો સામે આવ્યો હતો. જે પછી કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ તેમની સભાઓમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધીએ નીમચમાં એક સભા સંબોધતા જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશ ભ્રષ્ટાચારની રાજધાની બની ગયું છે. ખેડૂતો અને મજૂરોના સૌથી વધુ પૈસા કોણ લૂંટશે તે અંગે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં દોડધામ ચાલી રહી છે. રાહુલે કહ્યું હતું કે નરેન્દ્ર સિંહ તોમરના પુત્ર દેવેન્દ્ર તોમરના કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનનો વીડિયો સામે આવ્યો છે, પરંતુ શું નરેન્દ્ર મોદીના ઈન્કમટેક્સ, ઈડી કે સીબીઆઈ તેમના સુધી પહોંચ્યા? નરેન્દ્રસિંહ તોમરનો પુત્ર ફોનમાં એ રીતે વાત કરી રહ્યો છે જે રીતે બાળકો લખોટીઓના સોદા કરતા હોય.

વીડિયો વાયરલ થયા બાદ દેવેન્દ્ર તોમરે સ્થાનિક પોલીસ સ્ટેશને જઇને ફરિયાદ નોંધાવી હતી અને નિવેદન આપ્યું હતું કે તેમનો નકલી વીડિયો વાયરલ કરીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર સિંહ તોમરે પણ વીડિયો વાયરલ થવા અંગે સોશિયલ મીડિયા સાઇટ X પર પ્રતિક્રિયા આપી હતી અને લોકોને ભ્રમિત કરવાનું આ એક સુનિયોજીત ષડયંત્ર હોવાનું ગણાવી વીડિયોની ફોરેન્સિક તપાસની માગ કરી હતી.

હવે વાત છત્તીસગઢની કરીએ તો મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલને લઇને EDએ એક મોટો દાવો કર્યો છે, મહાદેવ બેટિંગ એપના કૌભાંડોની તપાસ કરી રહેલી સરકારી એજન્સી EDએ 3 નવેમ્બરે એક મોટો ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે મહાદેવ એપના પ્રમોટરો પાસેથી છત્તીસગઢમાં ચૂંટણીને પગલે મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે 508 કરોડ રૂપિયા લીધા છે. મહાદેવ એપ સાથે સંકળાયેલા વ્યક્તિ અસીમ દાસે આ માહિતી આપી હોવાનું EDના અધિકારીઓએ જણાવ્યું હતું.

EDએ કહ્યું હતું કે 2 નવેમ્બરના રોજ તેને ગુપ્ત માહિતી મળી હતી કે છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીને લઇને મહાદેવ એપના પ્રમોટરો દ્વારા એક મોટી રકમ છત્તીસગઢમાં પહોંચાડવામાં આવી રહી છે. બાતમીને આધારે EDની ટીમે ભિલાઈ સહિતની અલગ અલગ જગ્યાઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને અસીમ દાસ નામના એક વ્યક્તિને પકડ્યો હતો, જેને UAEથી મોકલવામાં આવ્યો હોવાની વિગતો ખૂલી હતી. EDએ અસીમ પાસેથી કાર સહિત 5.39 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે.
EDના આરોપો બાદ છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપબાજી શરૂ થઇ હતી. 4 નવેમ્બરે દુર્ગમાં યોજાયેલી રેલીમાં પીએમ મોદીએ કહ્યું હતું કે છત્તીસગઢના મુખ્યપ્રધાન જણાવે કે આ કૌભાંડ સાથે તેમનો શું સંબંધ છે? આ ઉપરાંત 13 નવેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના ગણિતશાસ્ત્રીઓએ જણાવવું પડશે કે આમાં મુખ્યપ્રધાનને કેટલા પૈસા મળ્યા છે અને દિલ્હી દરબારમાં કેટલા રૂપિયા આપવામાં આવ્યા?
આ મામલે મુખ્યપ્રધાન બઘેલે પ્રતિક્રિયા પણ આપી હતી. સીએમ ભૂપેશ બઘેલે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ED, IT, DRI અને CBI જેવી એજન્સીઓની મદદથી છત્તીસગઢની ચૂંટણી લડવા માંગે છે. ચૂંટણી પહેલા જ EDએ મારી ઈમેજને ખરાબ કરવાનો સૌથી દૂષિત પ્રયાસ કર્યો છે. આ લોકપ્રિય કોંગ્રેસ સરકારને બદનામ કરવાનો રાજકીય પ્રયાસ છે જે ઇડી દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ચૂંટણીટાણે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો થવા એ સામાન્ય છે પરંતુ શું ખરેખર મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભ્રષ્ટાચાર તથા ચૂંટણીફંડના આ મુદ્દાઓનો મતદાતાઓ પર અસર પડશે? એક રાજકીય વિશ્લેષક આ સવાલના જવાબમાં કહે છે કે નરેન્દ્ર સિંહ તોમરના વાઇરલ વીડિયોની ઘટના એ સમગ્ર દેશના રાજકારણ પર અસર પાડે તેવી શક્યતા તો ઘણી ઓછી છે, પરંતુ મહાદેવ એપ કૌભાંડનો જે મુદ્દો છે તેનો ફાયદો કદાચ છત્તીસગઢમાં ભાજપને થઇ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…