KSRTC બસ ફ્લાયઓવર પર લટકી ગઇ, પ્રવાસીઓનો થયો આબાદ બચાવ
બેંગલૂરુઃ શનિવારે સવારે બેંગલુરુ-તુમાકુરુ હાઈવે પર એક મોટી દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી મુજબ KSRTC (Kerala State Road Transport Corporation )ની બસ કોડાગુ જિલ્લાના સોમવારપેટથી બેંગલુરુ આવી રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી. અરાસિનાકુંટે નજીક હાઈવે પર અદકામરાનહલ્લી જંક્શન પર બનેલી આ ઘટનામાં બસના ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતા બસ હાઈવે પર ફ્લાયઓવરની રિટેઈનિંગ વોલ સાથે અથડાઈને કેરેજવે કૂદી ગઈ હતી. બસ જમીનથી 40 ફૂટથી વધુની ઊંચાઈએ ફ્લાયઓવર પર અનિશ્ચિતતાપૂર્વક લટકતી હતી. જોકે, કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનામાં KSRTC બસના કંડક્ટર અને ડ્રાઈવર સહિત છ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઇ હતી. અકસ્માતની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલ મુસાફરોને મદદ કરી, તેમને નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.
આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં જોવા મળે છે કે કેવી રીતે KSRTC બસ જીવલેણ અકસ્માતમાંથી ચમત્કારિક રીતે બચી ગઈ.
Passengers of a #KSRTC bus had a #miraculous #escape when the bus went over the retaining wall and landed on the opposite side of a flyover on #Tumakuru Road. The bus would have fallen 40 ft below if not for the parallel road!
— Surya Reddy (@jsuryareddy) May 18, 2024
Six persons including driver injured.#RoadSafety pic.twitter.com/RyxDjI1Lfl
બસને સુરક્ષિત રીતે પાછી રોડ પર લાવવા માટે પોલીસે ક્રેનનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ ઘટનાને કારણે થોડા સમય માટે આ વિસ્તારમાં ટ્રાફિક જામ થયો હતો, જે અંતે બસમાંથી તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા બાદ ક્લિયર કરવામાં આવ્યો હતો.
ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માતનું કારણ જાણવા માટે એક ટેકનિકલ ટીમ બસનું નિરીક્ષણ કરી રહી છે. ડ્રાઈવર દારૂના નશામાં હતો કે કેમ તે નક્કી કરવા માટે KSRTC ડ્રાઈવરના મેડિકલ રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે.