બે ટ્રક સામસામે ટકરાતાં બે જણે જીવ ગુમાવ્યા: 300 બકરાનાં પણ મૃત્યુ
યવતમાળ: યવતમાળ-પાંઢરકવડા માર્ગ પર થયેલા ભીષણ અકસ્માતમાં બે ટ્રક સામસામે ટકરાતાં બન્ને ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં ટ્રકમાં હાજર બે જણે જીવ ગુમાવ્યા હતા અને બે ગંભીર રીતે ઘવાયા હતા, જ્યારે 300 જેટલા બકરા પણ મરી ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પાંઢરકવડા પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારે સવારે છ વાગ્યાની આસપાસ સાયખેડા ડેમ ફાટા નજીક બની હતી. મોડી સાંજ સુધી અકસ્માતમાં મૃત્યુ પામેલાઓની ઓળખ થઈ શકી નહોતી. મોટી સંખ્યામાં બકરા મરી જતાં ઘટનાસ્થળે મૃત બકરાઓનો ઢગલો ખડકાયો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે ચંદ્રપુરથી સિમેન્ટ ભરીને ટ્રક યવતમાળ તરફ જઈ રહી હતી, જ્યારે બીજી ટ્રક મધ્ય પ્રદેશથી બકરા લઈને તેલંગણા જઈ રહી હતી. પૂરપાટ દોડતી ટ્રક ઘટનાસ્થળે સામસામે ટકરાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બન્ને ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ટ્રકમાં હાજર 300 બકરા મરી ગયા હતા.
આપણ વાંચો: સુરેશ રૈનાના મામાના દીકરાનું હિટ ઍન્ડ રન અકસ્માતમાં મૃત્યુ
અકસ્માતમાં ટ્રકમાં હાજર બે જણનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. ઘવાયેલા બે જણને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. અકસ્માતને પગલે યવતમાળ-પાંઢરકવડા માર્ગ પરનો વાહનવ્યવહાર અટકી પડ્યો હતો. લગભગ બે કિલોમીટર સુધી વાહનોની લાઈન લાગી હતી. ટ્રાફિક જામને કારણે હૈદરાબાદ, વણી, પાંઢરકવડા તરફ જનારા પ્રવાસીઓ બેહાલ થઈ ગયા હતા.
દરમિયાન બનાવની જાણ થતાં પાંઢરકવડા પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જેસીબીની મદદથી જખમીઓને ટ્રકમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તાને કિનારે ખસેડવામાં આવ્યા પછી વાહનવ્યવહાર પૂર્વવત્ થયો હતો.