માયાવતીએ ગાઝિયાબાદ યોજી રેલી, ભાજપની સાથે-સાથે કોંગ્રેસ પર પણ છોડ્યા વાકબાણ
લોકસભા ચૂંટણીને લઈ બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ આજે રવિવારે ગાઝિયાબાદના કવિનગર રામલીલા મેદાનમાં ગાઝિયાબાદ લોકસભા સીટના ઉમેદવાર નંદ કિશોર પુંડીરના સમર્થનમાં જાહેર સભાને સંબોધિત કરી રહી હતી. માયાવતીએ તેમની રેલીમાં ભાજપ અને કોંગ્રેસ પર નિશાન સાધી વાકબાણ છોડ્યા હતા.
માયાવતીએ રેલીને સંબોધતા કહ્યું કે જે કામ પહેલા કોંગ્રેસ સરકાર કરતી હતી તે હવે ભાજપ સરકાર કરી રહી છે. મૂડીવાદીઓ અને અમીરોને લાભ આપવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. ગરીબ, વંચિત અને લઘુમતી લોકોને કોઈ લાભ મળતો નથી. તે ચાર વખત ઉત્તર પ્રદેશ સરકારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમણે તમામ જાતિઓ અને વર્ગોના હિતોનું ધ્યાન રાખ્યું અને તેમની સરકારમાં તમામ વર્ગોને સમાન ભાગીદારી આપી હતી.
ભાજપ સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ભાજપ સરકારની કથની અને કરણીમાં ઘણો તફાવત છે. ગરીબી નાબૂદીનો દાવો ખોટો છે. ગેરંટી દાવાઓ જુમલા સિવાય બીજું કંઈ નથી. દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થવાને બદલે વધ્યો છે. કોંગ્રેસ અંગે તેમણે કહ્યું કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ગરીબો અને વંચિતોનું સતત શોષણ થતું હતું. આ જ કારણ છે કે કોંગ્રેસ સત્તાથી બહાર છે, ભાજપની પણ આવી જ સ્થિતિ થશે.
આપણ વાંચો: મોદી સામે મુસ્લિમ ઉમેદવાર, માયાવતી ભાજપની બી ટીમ?
આ વખતે ભાજપ ફરી સત્તામાં આવવાની નથી. ભાજપ અને તેના સહયોગી પક્ષો બદલાની ભાવનાથી કામ કરે છે. ભાજપ સરકારમાં માત્ર મૂડીવાદીઓને જ ફાયદો થઈ રહ્યો છે, ઈલેક્ટોરલ બોન્ડથી આ બાબતનો ખુલાસો થઈ ગયો છે. તેમણે કહ્યું કે જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ખેડૂતોના હિતમાં ઘણા કામો કર્યા હતા. શેરડીના ભાવ વધાર્યા હતા, ખેડૂતોને તમામ સુવિધાઓ સરળતાથી મળતી હતી.
માયાવતીએ જાતિનું કાર્ડ ખેલતા કહ્યું કે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ક્ષત્રિય સમુદાય મોટી સંખ્યામાં છે. તેમણે ભાજપ પર ક્ષત્રિય સમાજની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો હતો. જેને લઈને ક્ષત્રિય સમાજ ભારે નારાજ છે. અનેક જગ્યાએ મહાપંચાયત પણ યોજાઈ છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટી તમામ જાતિઓનું સન્માન કરે છે. તેથી ગાઝિયાબાદમાં ક્ષત્રિય સમાજના નંદકિશોર પુંડિરને ટિકિટ આપવામાં આવી છે. ટિકિટ વિતરણમાં તમામ વર્ગોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
માયાવતીએ વધુમાં કહ્યું કે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગુર્જર સમાજના લોકોની સંખ્યા વધુ હોવાથી તેમની પાર્ટીએ પ્રવીણ બંસલને ટિકિટ આપી છે. તે જ પ્રકારે માયાવતીએ પંજાબી સમાજને પણ રિઝવવાનો પ્રયાસ કરતા કહ્યું કે અગાઉ, મેં ગાઝિયાબાદ બેઠક પરથી પંજાબી સમુદાયના અંશય કાલરાને ટિકિટ આપી હતી, પરંતુ અહીં આ સમુદાયના મતદારોની સંખ્યા ઓછી હોવાથી, મેં શીખ પ્રભુત્વ ધરાવતી લખીમપુર બેઠક પરથી અંશયને ટિકિટ આપી છે.