મોદી સરકારમાં ચીન એક ઇંચ પણ જમીન પર કબજો કરી શકતું નથી: ગૃહમંત્રી અમિત શાહ
લખીમપુર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હેઠળ ચીન એક ઇંચ પણ જમીન પર કબજો કરી શકતું નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જનતા ક્યારેય ભૂલી શકે નહીં કે ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ 1962માં ચીની હુમલા દરમિયાન આસામ અને અરુણાચલ પ્રદેશને ‘બાય-બાય’ કહ્યું હતું.
આસામના લખીમપુરમાં ચૂંટણી રેલીને સંબોધતા શાહે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ સાથેની સરહદ સુરક્ષિત કરી અને ઘૂસણખોરીને અટકાવી છે.
અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર જોરદાર નિશાન તાક્યું હતું. રેલીને સંબોધતા તેમણે કહ્યું કે 19 એપ્રિલે તમારે નક્કી કરવું પડશે કે તમારો સાંસદ કોણ હશે, કઈ પાર્ટીની સરકાર બનશે અને આગામી વડાપ્રધાન કોણ હશે. તમારી પાસે બે વિકલ્પ છે, એક તરફ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઈન્ડી ગઠબંધન છે અને બીજી બાજુ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ છે.
આપણ વાંચો: અમિત શાહનો મહારાષ્ટ્ર પ્રવાસ અચાનક રદ્દ , મોદીની જાહેર સભાની પણ તારીખ બદલાઈ
અમિત શાહે અહીં રામ મંદિરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હું તમને કહેવા માંગુ છું કે આગામી દિવસોમાં આસામ દેશના અન્ય રાજ્યોની જેમ વિકસિત રાજ્ય બનશે. કોંગ્રેસે રામ મંદિરનો મુદ્દો વર્ષો સુધી પેન્ડિંગ રાખ્યો હતો, પરંતુ આ નિર્ણય પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન લેવામાં આવ્યો હતો. મોદીના જ કાર્યકાળમાં ભૂમિપૂજનની અને તેમના જ કાર્યકાળમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ ગઈ હતી.