Neet paper leak: સીબીઆઈની ટીમ તપાસ માટે બિહાર પહોંચી, ગ્રામજનોએ હુમલો કરીને ભગાડી દીધા
નવાદા (બિહાર): યુજીસી નીટ પેપર લીક કેસની તપાસ કરવા માટે દિલ્હીથી સીબીઆઈની ટીમ શનિવારે સવારે લગભગ 10 વાગ્યે બિહારના નવાદા જિલ્લાના રાજૌલી પહોંચી હતી. તપાસ દરમિયાન કસિયાદેહ ગામના લોકોએ સીબીઆઈની ટીમને નકલી માનીને તેમના પર હુમલો કર્યો હતો. જવાનોને માર મારવાનું શરૂ કર્યું અને વાહનોમાં તોડફોડ કરી હતી.
બીઆઈની તપાસ ટીમમાં સ્થાનિક પોલીસની એક મહિલા કોન્સ્ટેબલ સહિત ચાર સીબીઆઈ અધિકારીઓનો સમાવેશ થતો હતો. ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીની આગેવાનીમાં તપાસ ટીમ રાજૌલીના કસિયાદેહ ગામમાં પહોંચી હતી.
જ્યારે રાજૌલી પોલીસને સીબીઆઈ અધિકારીઓ પર થયેલા હુમલાની માહિતી મળી તો મુખ્ય નિરીક્ષક રાજેશ કુમાર તેમની આખી ટીમ સાથે કસિયાદેહ ગામ પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનના વડાએ ગ્રામજનોને સમજાવીને શાંત પાડ્યા હતા.
જોકે, ઘટના બાદ સીબીઆઈએ મોબાઈલ નંબરના લોકેશનના આધારે બે મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા અને તેને પોતાની સાથે લઈ ગયા હતા. સીબીઆઈ અધિકારીઓએ માત્ર એટલું જ કહ્યું કે મોબાઈલ નંબરના આધારે તપાસ બાદ પેપર લીક કેસમાં સામેલ અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવશે.
પોલીસે પેપર લીક કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ ટીમ પર હુમલો કરવાના કેસમાં એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. સ્ટેશન હેડ રાજેશ કુમારે જણાવ્યું હતું કે સીબીઆઈ અધિકારીઓ સાથે મારપીટના કેસમાં રાજોલી પોલીસે 8 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવ્યો છે અને 150-200 અજાણ્યા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.