ઑનલાઈન ગૅમની લત: યુવાને વૃદ્ધાની હત્યા કર્યા પછી સોનું ચોરી ઘર ફૂંકી માર્યું
થાણે: ઑનલાઈન ગૅમની પાછળ પાગલ યુવાન કેટલી હદે જઈ શકે છે તેનું તાજું ઉદાહરણ ભિવંડીમાં બનેલી ઘટના પરથી મળે છે. 74 વર્ષની વૃદ્ધાની ગળું ચીરી હત્યા કર્યા પછી સોનાના દાગીના ચોરી યુવાને પુરાવાનો નાશ કરવા ઘરને આગ લગાડી દીધી હતી.
ભિવંડી તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના 14 ઑગસ્ટે ભિવંડીના ઝટેવાડા ખાતે બની હતી. અભિમન્યુ ગુપ્તા (35)ને ઑનલાઈન ગૅમની લત લાગી હતી અને તેમાં નાણાં ગુમાવવાને કારણે તેણે આવું પગલું ભર્યું હતું.
ઘટનાને દિવસે વૃદ્ધા સેવામેરી ઓગસ્ટિન નાડરને ઘરમાં એકલી જોઈ આરોપી ગુપ્તાએ તેના પર હુમલો કર્યો હતો.
તીક્ષ્ણ હથિયારથી ગળું ચીરી વૃદ્ધાની હત્યા કર્યા બાદ આરોપીએ ઘરમાંથી સોનાના દાગીના ચોર્યા હતા. પછી પુરાવાનો નાશ કરવાને ઇરાદે તેણે ઘરને આગ ચાંપી હતી.
આ પણ વાંચો: આ હત્યારણ પત્નીએ જે વાર્તા ઘડી તે સાંભળી બિહારનીપોલીસ પણ ઝગડી પડી, પણ પછી ફૂટ્યો ભાંડો
બનાવની જાણ થતાં ભિવંડી તાલુકા પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન ગુપ્તાનું નામ સામે આવતાં તેની શોધ હાથ ધરવામાં આવી હતી. ગુપ્તા થાણેની એક લોજમાં સંતાયો હોવાની માહિતી મળતાં પોલીસે શનિવારે છટકું ગોઠવી તેને પકડી પાડ્યો હતો.
પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ઑનલાઈન ગૅમ પાછળ તેણે બે લાખ રૂપિયા ગુમાવ્યા હતા. પરિણામે તેણે નાડરના ઘરમાં ચોરીની યોજના બનાવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે વૃદ્ધાના પુત્રની માલિકીની ડેરીમાં ગુપ્તા કામ કરતો હતો. તેને નાડર પરિવારની રજેરજની માહિતી હતી. કોર્ટે આરોપીને 28 ઑગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. (પીટીઆઈ)