આ હત્યારણ પત્નીએ જે વાર્તા ઘડી તે સાંભળી બિહારનીપોલીસ પણ ઝગડી પડી, પણ પછી ફૂટ્યો ભાંડો
પટના: બિહારમાં હત્યાની એક સનસનીખેજ ઘટના જાણવા મળી છે, જે થ્રિલર ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર આપી શકે એમ છે. પત્નીએ નેપાળમાં પ્રેમી સાથે મળીને પતિની હત્યાને અંજામ આપ્યો હતો, એટલું જ નહીં લાશને પરત બિહાર લઇ આવીને અકસ્માતમાં પતિના મોતનું નેરેટીવ ઘડ્યું હતું. પરંતુ પોલીસ તપાસમાં હકીકત બહાર આવતા ભાંડો ફૂટી ગયો હતો.
અહેવાલ મુજબ પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિને નેપાળમાં મોતને ઘાટ ઉતાર્યો હતો, ત્યાર બાદ પતિને લાશને ખોળામાં સુવડાવી ઘરે પરત લાવી હતી. જે બાદ બંનેએ મળીને રોડ એક્સિડન્ટની વાર્તા ઘડી કાઢી હતી. અકસ્માતની તપાસ બાબતે બે પોલીસ સ્ટેશનો વચ્ચે સરહદી વિવાદ એટલો વધી ગયો કે મામલો હત્યા સુધી પહોંચી ગયો, અત્યાર બાદ આ હત્યા પાડોશી દેશમાં થઈ હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. મૃતદેહને નેપાળથી અહીં સુધી લાવીને પછી અકસ્માતની વાર્તા ઘડવી, એક મહિલાની આ કરતુત સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.
બિહારના અમોર પોલીસ સ્ટેશનના વિસ્તારના ભતોરિયા ગામના વોર્ડ 9માં રહેતા પરવેઝ આલમ (29 વર્ષ)નું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયાનું તેની પત્ની રેહાના પરવીન (25 વર્ષ)એ જાણ કરી, ત્યારે કોઈને શંકા ન હતી કે દાળમાં કંઇક કાળું છે. પરંતુ, પરવેઝના મૃતદેહ પર હિંસાના નિશાનની જાણ થઇ હતી, ગરદન પર નખના ઉઝરડા અને કપાળ પર નિશાન મળી આવ્યા હતા. પત્નીની સખત પુછપરછ કરવામાં આવતા તેણે સત્ય ઓકી દીધું હતું. સૌથી પહેલા પત્નીએ નેપાળમાં તેના મૃત્યુ વિશે જણાવ્યું. ત્યાર બાદ જ્યારે ગ્રામજનોએ તેને ઘરમાં બંધ કરીને માર માર્યો ત્યારે પત્નીએ પતિની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન પરવીને જણાવ્યું કે 26 વર્ષીય અબુ નાસર તેનો પ્રેમી છે. તે તેની સાથે લગ્ન કરવા માંગતી હતી, તેથી તેણી તેના પતિને ફસાવી નેપાળ લઇ ગઈ હતી. ત્યાં તેને સમજાવ્યો, પરંતુ તે ન માનતા તેને રસ્તા પરથી હટાવી દેવામાં આવ્યો. તે તેના પતિ સાથે અબુ નાસરને પણ લઈ ગઈ હતી.
પરવીને કહ્યું હતું કે તેમના અપંગ પુત્ર નેપાળ લઇ જવા અબુ સાથે જવાથી ફાયદો થશે. પતિને નેપાળ પહોંચીને ખબર પડી કે અબુ નાસર તેની પત્નીનો પ્રેમી છે. જ્યારે પરવેઝે તેમના પ્રેમ સંબંધ વિશે વિરોધ કર્યો, ત્યારે તેની હત્યા કરવામાં આવી અને પછી ઘરે માર્ગ અકસ્માતની જાણ કરવામાં આવી. ખાસ વાત એ હતી કે પ્રેમી સાથે મળીને હત્યા કર્યા બાદ તે પતિનું માથું ખોળામાં લઈને ભારતીય સરહદ અને તેના ગામ પરત આવી ગઈ હતી.
જોકે તેનું પાપ પોકારી ઉઠ્યું હતું, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.