આમચી મુંબઈમહારાષ્ટ્ર

અમને ગદ્દાર કહેનારાએ શરદ પવારને પણ દગો દેવાની તૈયારી કરી હતી: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: રાજ્યમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, હવે બઘાનું ધ્યાન ચોથી જૂને આવનારાં પરિણામો પર મંડાયું છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી અને મહાયુતિની જંગ જોવા મળ્યો હતો. આ બધાની વચ્ચે ભાજપે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે અમને ગદ્દાર, ગદ્દાર કરનારાએ તો શરદ પવારને પણ દગો આપવાની તૈયારી કરી લીધી હતી.

એક ખાનગી ચેનલ સાથેની વિશેષ મુલાકાતમાં એક સવાલનો જવાબ આપતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે, વિરોધીઓના પગ નીચેથી રેતી સરકી ગઈ છે. તેઓ વિકાસની વાત કરી શકતા નથી. તેથી જ તેઓ માત્ર ગદ્દારી-ગદ્દારીની વાત કરે છે. 2019માં ઉબાઠા (ઉદ્ધવ ઠાકરે)એ મિત્ર પક્ષની સાથે ગદ્દારી કરીને તેમની પીઠમાં ખંજર ઉતાર્યું હતું અને કૉંગ્રેસ એનસીપી સાથે સરકાર બનાવી હતી. પહેલાં તેમને કૉંગ્રેસ જોઈતી નહોતી. જો બાળ ઠાકરે જીવતા હોત તો તેમને ચપ્પલથી માર્યા હોત. તેઓ મોદીને મળીને આવ્યા હતા અને જે શરદ પવારે તેમને મુખ્ય પ્રધાન બનાવ્યા તેમના જ પીઠમાં ખંજર ઉતારવાની તૈયારી તેમણે કરી નાખી હતી એમ એકનાથ શિંદેએ કહ્યું હતું.

તેમને પાંચ વર્ષ માટે મુખ્ય પ્રધાન જોઈતું હતું નહીં તો તેમણે શરદ પવારને દગો આપ્યો હોત. એકનાથ શિંદેના ગંભીર આરોપો બાદ રાજકીય વર્તુળમાં ફરી એકવાર નવેસરથી આખા પ્રકરણ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

મુખ્યપ્રધાન એકનાથ શિંદેની શિવસેના જ વાસ્તવિક શિવસેના હોવાનો ચુકાદો કોર્ટે આપ્યો છે, પરંતુ જનતાનો મત ચોથી જૂને આવશે. ત્યારપછી નક્કી થશે કે અસલી અને નકલી શિવસેના કઈ છે. આ મુદ્દે બોલતાં તેમણે કહ્યું હતું કે, અમે મહિલાઓ અને યુવાનોને નોકરીઓ આપી છે. અમે મોટાપાયે વિકાસ કર્યો છે. અમે દરેક વસ્તુને પ્રોત્સાહન આપ્યું છે. અમે વૃદ્ધો માટે વયોશ્રી યોજના લાગુ કરી છે. અમે આરોગ્ય, શિક્ષણ, કૃષિની સાથે સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કર્યું છે. અમને વિશ્વાસ છે કે અમે આ ચૂંટણીમાં રાજ્યમાં 40થી વધુ બેઠકો મેળવીશું.

આ પણ વાંચો: લોકસભાના પરિણામો પહેલાં જ વિધાનસભાની તૈયારીમાં લાગ્યા એકનાથ શિંદે

બેઠકોની વહેંચણીમાં એકનાથ શિંદે કરતાં વધુ બેઠકો મેળવવામાં ઉદ્ધવ ઠાકરે સફળ થયા તેનો જવાબ આપતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે અમારું ધ્યેય નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનું છે. તેઓ કેટલી બેઠકો પર ચૂંટણી લડે છે અથવા તો કોઈએ કેટલી બેઠકો પર ચૂંટણી લડી? એ મહત્ત્વનું નથી. અમે આ રાજ્યમાંથી વધુમાં વધુ બેઠકો કેવી રીતે મેળવી શકાય અને વડાપ્રધાન મોદીના હાથ કેવી રીતે મજબૂત કરી શકાય તેના પર સખત મહેનત કરી છે. તેમજ બેઠકોની ફાળવણીમાં કોઈ અંધાધૂંધી થઈ નથી, અમે વિજેતા બની શકનારા ઉમેદવારો જ ઊભા રાખ્યા છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, વિરોધીઓના પગ નીચેથી રેતી ખસી ગઈ છે. તેઓ વિકાસની વાત કરી શકતા નથી. તેથી જ તેઓ વારંવાર ગદ્દારી-ગદ્દારીની વાતો કરે છે. તેઓ પ્રચાર દરમિયાન સૌથી નિમ્ન સ્તરે પહોંચી ગયા હતા. 2019માં આ ઉબાઠાએ મિત્ર પક્ષ સાથે દગો કર્યો. મહારાષ્ટ્રના લોકોની પીઠમાં છરો મારવામાં આવ્યો. શિવસેના-ભાજપ યુતિમાં અમે ચૂંટણી લડ્યા, પહેલાં તેમને કૉંગ્રેસ જોઈતી નહોતી. બાળ ઠાકરે હોત તો તેમને ચપ્પલથી માર્યા હોત.

ગદ્દારી તેમણે એક વખત નહીં, બબ્બે વકત કરી હતી. મોદીને તેઓ મળીને આવ્યા હતા અને ત્યારે જે શરદ પવારે તેમને મુખ્ય પ્રધાન બનાવ્યા તેમને જ દગો આપવાની તેમની યોજના હતી. તેમને પાંચ વર્ષ માટે સત્તા ભોગવવી હતી એટલે તેઓ શાંત બેસી રહ્યા નહીં તો શરદ પવારને પણ તેમણે દગો દીધો હોત એમ તેમણે કહ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત પ્રચાર માટે મુંબઈના રસ્તા પર ઉતરવું પડ્યું તે અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે લોકોને રસ્તા પર લાવવા માટે તેઓએ રોડ શો કર્યો હતો. લોકોને મોદીજીનો ક્રેઝ છે અને તેથી તેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button