મહારાષ્ટ્રના કદાવર નેતાએ મોદીની તુલના પુતિન સાથે કરી
મુંબઈ: લોકસભાની ચૂંટણીને લઈ સત્તાધારી પાર્ટી સામે વિરોધી પક્ષના નેતાઓ જાહેરમાં આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્રના કદાવર નેતા શરદ પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તુલના રશિયાના વડા પ્રધાન સાથે તુલના કરી હતી.
અમરાવતી ખાતે પ્રચારસભાને સંબોધતા શરદચંદ્ર પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના વડા શરદ પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કર્યા હતા અને મોદી ફક્ત અન્યોની ટીકા કરતા હોવાનું જણાવ્યું હતું.
પવારે મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુંના દેશ માટેના યોગદાન પર ક્યારેય પ્રશ્ર્નો ઊભા ન કરી શકાય. ભાજપના નેતાઓ ખુલ્લેઆમ બંધારણ બદલવાની વાત કરે છે. પવારે લોકોને ભારતમાં સરમુખત્યારશાહીનો ઉદય થતા રોકવાની અપીલ પણ કરી હતી.
આપણ વાંચો:શરદ પવારે અયોધ્યા મુદ્દે નિવેદન આપતા સર્જાયો વિવાદ, ભાજપે આપ્યો જવાબ
તેમણે વધુમાં કહ્યું હતું કે આપણા ભૂતપૂર્વ વડા પ્રધાનોએ એક નવા ભારત બનાવવાના લક્ષ્ય તરફ કામ કર્યું, જ્યારે વડા પ્રધાન મોદી ફક્ત બીજાની ટીકા કરે છે અને પોતાની સરકારે છેલ્લાં દસ વર્ષમાં શું કર્યું તે વિશે કંઇ નથી બોલતા.
અમરાવતી ખાતે મહાવિકાસ આઘાડીના ઉમેદવાર માટે પ્રચાર કરતા વખતે તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદી રશિયાના વડા પ્રધાન વ્લાદમિર પુતિનની જેમ લોકોમાં ભય પેદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે મને ડર છે કે ભારતમાં એક નવા પુતીનનો ઉદય થઇ રહ્યો છે.
વિરોધી ઉમેદવાર નવનીત રાણા વિશે બોલતા પવારે કહ્યું હતું કે મેં 2019ની ચૂંટણીમાં જે ભૂલ કરી હતી અને જે ઉમેદવારને સમર્થન આપ્યું હતું તેની માટે હું માફી માગુ છું. ઉલ્લેખનીય છે કે હાલના અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણાને પવારે 2019માં સમર્થન જાહેર કર્યું હતું અને હાલ નવનીત રાણા આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યા છે.