સૈયદનાના જંગમાં હાઈ કોર્ટના ચુકાદા સામે પિટિશનર અપીલ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દસ વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ બોમ્બે હાઈ કોર્ટ દ્વારા સૈયદના મુફદ્દલ સૈફૂદ્દીનને દાઉદી વહોરા સમુદાયના ધાર્મિક નેતા ‘દાઈ-અલ-મુતલક’ તરીકેના પદને માન્ય રાખીને તેમના કઝીન તાહેર ફખરુદ્ધીનના યોગ્ય અનુગામી હોવાના દાવાને ફગાવી દીધો હતો. ફખરુદ્ધીનની કચેરી દ્વારા ગુરુવારે એક અખબારી નિવેદન બહાર પાડીને કહેવામાં આવ્યું હતું કે તેઓ હાઈ કોર્ટના ચુકાદા સામે અપીલમાં જશે.
ચુકાદા અંગે નિરાશા વ્યક્ત કરતાં આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે દાઉદી વહોરા સમાજના નેતૃત્વ ઉત્તરાધિકારીના દાવામાં મુંબઈ હાઈ કોર્ટના સિંગલ જજના પ્રતિકૂળ ચુકાદાને ધ્યાનમાં લેતાં સૈયદના ફખરુદ્ધીન લડત ચાલુ રાખવા અને આ ચુકાદાને પૂર્ણ હદ સુધી કાનૂની પ્રક્રિયામાં અપીલ કરવાની પ્રતિજ્ઞા લે છે. સૈયદના માને છે કે આ લડાઈ અન્ય કોઈ વસ્તુ માટે નથી, પરંતુ સમુદાયમાં સન્માન અને વિશ્ર્વાસ પુન:સ્થાપિત કરવાને માટે આવશ્યક છે.
આપણ વાંચો: ‘….તો ભારતમાં WhatsApp બંધ થઇ જશે?’ દિલ્હી હાઈ કોર્ટમાં Metaની મોટી ચેતવણી
આ નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે ચુકાદો 24મી એપ્રિલે સાંજે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો અને પ્રારંભિક સમીક્ષા પછી એવું ધ્યાનમાં આવ્યું હતું કે કેટલાક નિર્ણાયક પુરાવાને ધ્યાનમાં લેવામાં આવ્યા નહોતા. વાદીને હોદ્દા અને નિવેદનોનો આધાર લેવામાં આવ્યો હતો, જે તેમણે ક્યારેય ગ્રહણ કર્યા નહોતા. વાદી અને પ્રતિવાદી દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ પર અલગ અલગ માપદંડો લાગુ કર્યા હતા અને આમ કેટલેક સ્થળે ચુકાદામાં વિરોધાભાસ ઊભો કર્યો હતો.
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે તેમને વિશ્ર્વાસ છે કે આ ચુકાદાને અપીલમાં ઉલટાવવામાં આવશે. અને ઈશ્ર્વરની કૃપાથી સચ્ચાઈ અને ન્યાયનો વિજય થશે. સચ્ચાઈ, ન્યાય અને દાઉદી વહોરા સમુદાયના ભવિષ્ય માટે હું આ લડાઈને ચાલુ રાખવા માટે કટિબદ્ધ છું.