બેગ ચેકિંગ પર બબાલઃ વિરોધપક્ષને ટાર્ગેટ કરાયાનો સુપ્રિયાનો આક્ષેપ
મુંબઈઃ ચૂંટણી સમયે દરેક ઘટનાને મુદ્દો બનાવવાની અને તેનો ઉહાપોહ કરવાની ફાવટ લગભગ દરેક પક્ષના દરેક નેતાને છે. સોશિયલ મીડિયાને લીધે અને ટેકનોલોજીના ઉપયોગને લીધે હવે આ કામ સહેલું બની ગયું છે. હાલમાં મહારાષ્ટ્રમાં પણ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો શિવસેના યુબીટીના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દ્વારા જ વાયરલ કરવામાં આવ્યો હતો.
ચૂંટણી પંચ દ્વારા એરપોર્ટ પર તેમની બેગ ચેક કરવામાં આવી ત્યારનો વીડિયો છે. આ વીડિયો ઉતારતા વખતે ઉદ્ધવ ઠાકરેએ પંચના અધિકારીઓને કહ્યું હતું કે માત્ર મારી જ બેગ ચેક કરો છો. મોદી, શાહ કે ભાજપના નેતાઓની બેગ ચેક થતી નથી. ઉદ્ધવનો આ વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો અને ચૂંટણી પંચ સામે પણ સવાલો ઊભા થયા.
ત્યારબાદ અહેવાલો આવ્યા હતા કે કન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની બેગ પણ ચેક કરવામાં આવી. તેવામાં ભાજપે દેવેન્દ્ર ફડણવીસની બેગ ચેક થયાનો વીડિયો વાયરલ કર્યો. આ વીડિયો સાથે ટોણો પણ માર્યો, પરંતુ આ વીડિયો ઠાકરેની ટીકા બાદ બહાર આવ્યો હોવાથી ચર્ચાનું કારણ બન્યો છે.
આપણ વાંચો: G20માં ચીન સીક્રેટ બેગ લાવ્યું હતું અને કોઇને ચેક કરવાની પરવાનગી પણ ન હતી…
એનસીપી (એસપી)ના નેતા સુપ્રિયા સુળે સહિતના નેતાઓએ સવાલ કર્યો છે કે ઉદ્ધવ ઠાકરેની ફરિયાદ પછી જ કેમ ગડકરી અને ફડણવીસની બેગ ચેક કરી. જો પહેલા થઈ હતી તો ભાજપે બે દિવસ પછી વીડિયો વાયરલ કેમ ન કર્યો. જાણીજોઈને વિરોધપક્ષના નેતાઓને પરેશાન કરવામા આવી રહ્યા હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
મહારાષ્ટ્રની ચૂંટણી આડે એક જ અઠવાડિયું બાકી છે. આવતા બુધવારે મતદારોએ ઉમેદવારોના ભાવિ મતદાનપેટીમાં લગભગ લૉક કરી દીધા હશે, પરંતુ ત્યાં સુધી નેતાઓ આ રીતે આરોપ-પ્રત્યારોપ કરતા રહેશે.