આમચી મુંબઈમહારાષ્ટ્ર

વિચિત્ર રાજકારણ! પુત્રી શરદ પવાર સાથે અને પિતા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. હિંદુત્વનો ઝંડો ઉઠાવનારી શિવસેના અને મરાઠા સમાજની રાજનીતિ કરતી એનસીપી બે જૂથોમાં વહેંચાઈ ગઈ. તે જ સમયે, તાજેતરમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના ઘણા અગ્રણી નેતાઓ પણ તેમની પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે. એ જ પગલે હવે ગઈઙ શરદ પવાર જૂથના મોટા નેતા એકનાથ ખડસે પણ પોતાની પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે.

આ દિવસે ભાજપમાં જોડાશે

એનસીપી શરદ પવાર જૂથના વરિષ્ઠ નેતા એકનાથ ખડસે ગુડી પડવાના દિવસે (9 એપ્રિલ) ભાજપમાં એટલે કે સ્વગૃહે પરત ફરવાના છે. હાલમાં એકનાથ ખડસે શરદ પવારની પાર્ટીમાંથી વિધાન પરિષદના સભ્ય છે. ખડસેએ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. અહીં નોંધનીય છે કે ઓક્ટોબર 2020 માં એકનાથ ખડસેએ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યના પ્રધાન ગિરીશ મહાજન સાથેના વિવાદોને કારણે ભાજપ છોડી હતી.

આપણ વાંચો: વિપક્ષના ગઠબંધનમાં વડા પ્રધાનનો ચહેરો કોણ? શરદ પવારે શું આપ્યો જવાબ?

પુત્રી રોહિણી એનસીપીમાં જ રહેશે

મહત્ત્વની વસ્તુ એ છે કે એકનાથ ખડસેની પુત્રી રોહિણી ખડસે એનસીપી (શરદચંદ્ર પવાર) પાર્ટીની મહારાષ્ટ્ર મહિલા પાંખની અધ્યક્ષા છે. જાણવા મળ્યા મુજબ હાલમાં રોહિણી ખડસે એનસીપી શરદ પવાર જૂથમાં જ રહેશે.

રાજ્યપાલ કે રાજ્યસભા?

મળતી માહિતી મુજબ દિલ્હીમાં જેપી નડ્ડાની હાજરીમાં એકનાથ ખડસે ભાજપમાં જોડાશે. ખડસેના ભાજપમાં જોડાવાથી ઉત્તર મહારાષ્ટ્ર ભાજપ મજબૂત થશે. આધારભૂત સાધનો પાસેથી મળતી માહિતી મુજબ એકનાથ ખડસેને રાજ્યપાલ અથવા રાજ્યસભામાં મોકલવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આ અંગેનો અંતિમ નિર્ણય ભાજપમાં જોડાયા બાદ લેવામાં આવશે.

પુત્રવધુ સામે રાવેરના વિરોધને શમાવવામાં સફળતા

એકનાથ ખડસેની પુત્રવધુ રક્ષા ખડસે ભાજપના સંસદસભ્ય છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં તેઓ ફરી એક વખત રાવેરની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમને ઉમેદવારી આપવામાં આવ્યા બાદ રાવેર મતદારસંઘમાં તેમની સામે અનેક સ્થળે વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમને એનસીપી તરફી ગણાવવામાં આવ્યા હતા. હવે એકનાથ ખડસેનું ભાજપમાં પુનરાગમન થયું હોવાથી રક્ષા ખડસે સામે જે વિરોધનો વંટોળ ઉઠ્યો હતો તેને ખાળવામાં ભાજપનું નેતૃત્વ સફળ થયું છે અને હવે રક્ષા ખડસેનો વિજય પાકો માનવામાં આવી રહ્યો છે.

વિનોદ તાવડેએ લીધો બદલો?

એકનાથ ખડસેના સ્વગૃહે પુનરાગમનને દેવેન્દ્ર ફડણવીસ અને તેમના ‘બ્લ્યુ આઈડ બેબી’ ગિરીશ મહાજન માટે મોટા ફટકા સમાન માનવામાં આવી રહ્યું છે. 2019માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં વિનોદ તાવડેનું પત્તું કાપવા માટે દેવેન્દ્ર ફડણવીસ જ જવાબદાર હતા અને તેથી આ વખતે ખડસેનું પુનરાગમન કરાવીને વિનોદ તાવડેએ બદલો લીધો હોવાનું કહેવાઈ રહ્યું છે. ખડસે અને ફડણવીસ વચ્ચેનો ગજગ્રાહ જગજાહેર છે અને આને માટેનું કારણ ગિરીશ મહાજન છે, જેઓ એકનાથ ખડસેના જળગાંવ જિલ્લાના જ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button