રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબારનો સૂત્રધાર શુભમ લોણકર ચીનમાં સંતાયો?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફિલ્મમેકર રોહિત શેટ્ટીના જૂહુમાં આવેલા નિવાસસ્થાને ગોળીબાર કરવાનું ષડ્યંત્ર રચનારો કથિત સૂત્રધાર શુભમ લોણકર ચીનમાં સંતાયો હોવાની શક્યતા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વ્યક્ત કરી હતી. સોશ્યલ મીડિયાના માધ્યમથી સાગરીતોના સંપર્કમાં રહેલા લોણકરે જ નાણાં પૂરાં પાડવાની વ્યવસ્થા કરી હોવાનું તપાસમાં જણાયું હતું.
જૂહુમાં મેહમૂદ ચોક ખાતે આવેલા શેટ્ટી ટાવર પર શનિવારની મધરાતે 12.45 વાગ્યે ગોળીબાર કરવામાં આવ્યો હતો. પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ ફાયર કરી શૂટર ફરાર થઈ ગયો હતો. ગોળી ચલાવનારો શૂટર હજુ હાથ લાગ્યો નથી, પરંતુ ઘટના સાથે સંકળાયેલા ચાર શકમંદ સ્વપ્નિલ સકટ (23), સમર્થ પોમાજી (19), સિદ્ધાર્થ યેનપુરે (19) અને આદિત્ય ગાયકી (19)ની ક્રાઈમ બ્રાન્ચની ખંડણી વિરોધી પથકે ધરપકડ કરી હતી.
આપણ વાચો: રોહિત શેટ્ટીને ટાર્ગેટ કરવાનું પ્લાનિંગ ચાર મહિનાથી ચાલતું હતું
ગોળીબારનું કાવતરું બિશ્ર્નોઈ ગૅન્ગના સભ્ય શુભમ લોણકરે ઘડ્યું હોવાનું પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું. શુભમ લોણકર શેટ્ટી સહિત ઑક્ટોબર, 2024માં બાન્દ્રામાં થયેલી એનસીપીના નેતા બાબા સિદ્દીકીના હત્યા કેસમાં ફરાર છે.
લૉરેન્સ બિશ્ર્નોઈને જેલમાં પૂરવામાં આવ્યા પછી મહારાષ્ટ્રમાં શુભમ લોણકરે પોતાની ટોળકી બનાવી હોવાનું કહેવાય છે. આ ટોળકીના સભ્યો સાથે તે સોશ્યલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં રહે છે. અત્યારે લોણકર ચીનમાં સંતાયો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.
ગોળીબારના કાવતરાને અંજામ આપવા માટે પુણેના યુવક પાસેથી આરોપી આદિત્ય ગાયકીએ 30 હજાર રૂપિયામાં સ્કૂટર ખરીદ્યું હતું. સેક્ધડ હેન્ડ સ્કૂટરની કિંમત શુભમ લોણકરે જ પૂરી પાડી હોવાનું કહેવાય છે. પછી આ સ્કૂટર પુણેથી લોનાવલા સુધી પહોંચાડવાની જવાબદારી આરોપી સિદ્ધાર્થ યેનપુરે અને સ્વપ્નિલ સકટને સોંપાઈ હતી.
આપણ વાચો: બાબા સિદ્દીકીની હત્યામાં સામેલ શુભમ લોણકરે ઘડ્યું રોહિત શેટ્ટી પર ગોળીબારનું ષડ્યંત્ર
લોનવલામાં તેમને શૂટર મળવાનો હતો, જેને સ્કૂટર સોંપવાનું હતું. જોકે શૂટર લોનાવલા ન પહોંચતાં યેનપુરે અને સકટ સ્કૂટર લઈને મુંબઈ આવ્યા હતા. આ કામ માટે તેમને માત્ર 10 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. આ રકમ આરોપી સમર્થ પોમાજી હસ્તક લોણકરે પહોંચાડી હતી. પોમાજીની સૂચનાથી જ સ્કૂટર મુંબઈ લાવવામાં આવ્યું હતું.
ઘટનાના 10 દિવસ અગાઉ સ્કૂટર મુંબઈ લાવીને શૂટરને આપવામાં આવ્યું હતું. પોલીસને શંકા છે કે ગોળીબાર પહેલાં શેટ્ટી ટાવરની રૅકી માટે પણ આ જ સ્કૂટરનો ઉપયોગ થયો હશે. પકડાયેલા આરોપીઓએ દાવો કર્યો હતો કે કોઈ કાવતરું ઘડવામાં આવ્યું છે અને એના ભાગ રૂપે જ સ્કૂટર ખરીદીને મુંબઈ લાવવાની કવાયત કરવામાં આવી હોવાની તેમને ખાતરી હતી, પરંતુ ટાર્ગેટ કોણ હતું તેની તેમને જાણ નહોતી.



