તાપમાનનો પારો ઊતરવાની શરૂઆત: મંગળવારે ૧૪.૮ ડિગ્રી: માથેરાન, મહાબળેશ્ર્વર જેવી ઠંડી: આજે વધુ ઘટવાની શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દિવસભર ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે મુંબઈગરા હિલ સ્ટેશનમાં પડે તેવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. મંગળવારે મુંબઈમાં નોંધાયેલું તાપમાન હિલ સ્ટેશન મહાબળેશ્ર્વર અને માથેરાન સમાન હતું. મુંબઈમાં લઘુતમ તાપમાન ૧૪.૮ નોંધાયું હતું. તો માથેરાનમાં ૧૪ ડિગ્રી અને મહાબળેશ્ર્વરમાં ૧૪.૪ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. મુંબઈમાં મંગળવારે લઘુતમ તાપમાનનો પારો ૧૪.૮ ડિગ્રી જેટલો નોંધાયો હતો. મુંબઈમાં ૨૬થી ૨૯ જાન્યુઆરી દરમિયાન તાપમાનનો પારો એક આંકડા પર નોંધાશે એવા મેસેજ સોશિયલ મિડિયા પર ફરી વળ્યા હતા.
હવામાન ખાતાએ જોકે ઠંડી વધશે પણ પારો એક આંકડા પર નહીં પહોંચે એવો દાવો કર્યો હતો. પરંતુ જે રીતે મુંબઈમાં તાપમાનનો પારો ૨૪ કલાકમાં લગભગ એક ડિગ્રી નીચે આવી જતા આગામી દિવસમાં વિક્રમજનક ઠંડી પડે એવી ભારોભાર શક્યતા છે. સોમવારે મુંબઈમાં લઘુતમ તાપમાન ૧૫.૬ ડિગ્રી નોંધાયું હતું, તેમાં લગભગ એક ડિગ્રીનો ઘટાડો થઈને મંગળવારે લઘુતમ તાપમાનનો પારો ૧૪.૮ ડિગ્રી નોંધાયો હતો. મંગળવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન ૧૪.૮ ડિગ્રી અને કોલાબામાં ૧૭.૬ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૨૬.૦ ડિગ્રી અને કોલાબામાં ૨૫.૨ ડિગ્રી નોંધાયું હતું.
————
મુંબઈનો એક્યુઆઈ ૨૭૩
ઠંડી વધવાની સાથે જ વાતાવરણમાં પ્રૂદષણનું સ્તર પણ સતત વધી રહ્યું છે. મુંબઈમાં સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૭૩ નોંધાયો હતો, જે લગભગ દિલ્હીના ૨૮૦ એક્યુઆઈની નજીક નોંધાયો હતો. મુંબઈમાં કોલાબામાં એક્યુઆઈ ૨૬૨, બીકેસીમાં ૩૪૬, ચેંબુરમાં ૩૨૨, અંધેરીમાં ૨૫૨ અને ભાંડુપમાં ૨૦૧ નોંધાયો હતો. તો નવી મુંબઈમાં ઍક્યુઆઈ ૩૩૩ રહ્યો હતો.