મુંબઈમાં શુક્રવારથી ‘રાજકીય ગરમી’ વધશે: થાણે, પાલઘર, ભીવંડી, કલ્યાણમાં પણ ઉમેદવારીપત્રક ભરવાનું શરૂ થશે
બીજા તબક્કાની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં મુંબઈની છ બેઠકો દક્ષિણ મુંબઈ, દક્ષિણ-મધ્ય મુંબઈ, ઉત્તર-મધ્ય મુંબઈ, ઉત્તર-પૂર્વ મુંબઈ, ઉત્તર-પશ્ર્ચિમ મુંબઈ અને ઉત્તર મુંબઈ ઉપરાંત થાણે, કલ્યાણ, ભીવંડી, પાલઘર, નાશિક, દિંડોરી, ધુળે મતદારસંઘ માટે ઉમેદવારી પત્રકો ભરવાનું શુક્રવારથી ચાલુ થશે. લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયું છે અને બીજા તબક્કાના મતદાનનો પ્રચાર પૂરો થવાનો છે ત્યારે પાંચમા તબક્કામાં મુંબઈ અને આસપાસની 13 બેઠક પર મતદાન થવાનું છે તેની પ્રક્રિયા શુક્રવારથી શરૂ થતાં આ વિસ્તારની ‘રાજકીય ગરમી’ વધશે.
અત્યાર સુધી સત્તાધારી મહાયુતિ અને વિપક્ષી મહાવિકાસ આઘાડી દ્વારા મુંબઈની છ બેઠકો માટે વહેંચણીની ફોર્મ્યુલા અને ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી. ઉમેદવારીપત્રકો ભરવાનું ચાલુ થતાં જ મુંબઈ શહેર અને આસપાસના વિસ્તારોમાં પ્રચાર કાર્યમાં ગતિ આવશે અને ચૂંટણીનો રંગ જોવા મળશે. ત્રીજી મેના રોજ ઉમેદવારીપત્રકો ભરવાનો છેલ્લો દિવસ છે.
ચોથી મેના રોજ ઉમેદવારી પત્રકોની ચકાસણી કરવામાં આવશે અને ઉમેદવારી પાછી ખેંચવા માટે છઠ્ઠી મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. 20 મેના રોજ આ 13 બેઠકો પર મતદાન થવાનું છે.
ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ રાજ્યના 11 મતદારસંઘમાં થવાની છે, જેમાં પુણે-બીડ સહિતની મહત્ત્વની બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકો માટે ઉમેદવારી પત્રકો ભરવાનું 18 તારીખથી શરૂ થઈ ગયું છે અને ગુરુવાર ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. ગુરુવારે આ બેઠકોનાં ઉમેદવારીપત્રકોની ચકાસણી થશે અને 29 તારીખ સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. 13 મેના રોજ મતદાન થશે. 13 તારીખે જ્યાં મતદાન છે તે મતદારસંઘોમાં પુણે, માવળ, શિરુર, અહમદનગર, શિરડી, બીડ, ઔરંગાબાદ, જાલના, રાવેર, જળગાંવ અને નંદુરબારનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: ઓમાનના સુલતાન સાથે વડા પ્રધાન મોદીની વાતચીત ‘ઉત્પાદક’ રહી
દેશમાં બીજા તબક્કામાં કુલ 13 રાજ્યોની 89 લોકસભા બેઠકો પર 26 એપ્રિલે મતદાન થવાનું છે. આ બેઠકો પરના પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. આ રાજ્યોમાં આસામ, બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, રાજસ્થાન, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ અને જમ્મુ અને કાશ્મીરની બેઠકોનો સમાવેશ થાય છે.
આ 89 મતદારસંઘોમાં મહારાષ્ટ્રની બુલઢાણા, અકોલા, અમરાવતી, વર્ધા, યવતમાળ-વાશિમ, હિંગોલી, નાંદેડ અને પરભણી બેઠકનો સમાવેશ થાય છે. આચારસંહિતાના ભાગરૂપે ઉત્તર પ્રદેશના મેરઠ-મથુરા સહિત અનેક શહેરોમાં ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યા છે. બુધવારે સાંજે પાંચ વાગ્યાથી 48 કલાક માટે બધી જ બિયર શોપ અને મોડેલ શોપ બંધ રાખવામાં આવશે.
મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, એનસીપી સુપ્રીમો શરદ પવારની રેલીનું આયોજન બુધવારે કરવામાં આવ્યું હતું.