એનસીબીએ બે ડ્રગ તસ્કરની ધરપકડ કરી 75 લાખનું એમડી જપ્ત કર્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)એ મુંબઈથી ઑપરેટ થતી ઈન્ટરસ્ટેટ ડ્રગ સિન્ડિકેટ સાથે સંકળાયેલા બે તસ્કરની ધરપકડ કરી અંદાજે 75 લાખ રૂપિયાનું મેફેડ્રોન (એમડી) જપ્ત કર્યું હતું.
એનસીબીના મુંબઈ યુનિટના એડિશનલ ડિરેક્ટર અમિત ઘાવટેની ટીમે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ એલ. જી. ખાન અને યુ. યુ. ખાન તરીકે થઈ હતી. યુ. યુ. ખાન વિરુદ્ધ અનેક ફોજદારી ગુના નોંધાયેલા છે. એનડીપીએસ સંબંધી કેસમાં તેની ધરપકડ પણ કરાઈ હતી. હાલમાં તે જામીન પર હોવાનું તપાસમાં જણાયું હતું.
મુંબઈથી ઑપરેટ થતી ડ્રગ સિન્ડિકેટનો સભ્ય એલ. જી. ખાન માહિમમાં રહે છે અને બોરીવલી સ્ટેશનેથી ડ્રગ્સ સાથે ટ્રેનમાં ચઢવાનો હોવાની માહિતી એનસીબીના અધિકારીને મળી હતી. માહિતીને આધારે એનસીબીની ટીમે બે દિવસ અગાઉ બોરીવલી સ્ટેશને છટકું ગોઠવ્યું હતું.
આપણ વાંચો: ગુજરાતમાં કેમ આટલું બધું ડ્રગ્સ પકડાય છે?
સ્ટેશને પહોંચેલા એલ. જી. ખાનને તાબામાં લઈ તપાસ કરવામાં આવતાં તેની પાસેથી 500 ગ્રામ એમડી મળી આવ્યું હતું, જેની કિંમત 75 લાખ રૂપિયા હોવાનું અધિકારીનું કહેવું છે.
પકડાયેલા ખાનની પૂછપરછમાં હેન્ડલર યુ. યુ. ખાન માહિમમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. એનસીબીની ટીમે માહિમમાં સર્ચ હાથ ધરી યુ. યુ. ખાનને તેના ઘરેથી તાબામાં લીધો હતો. જામીન પર છૂટેલો યુ. યુ. ખાન ફરી ડ્રગ્સ તસ્કરી સાથે સંકળાયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.