Ariha Return: જર્મનીથી વહેલી તકે પાછા લાવવા વિદેશ મંત્રાલય સક્રિય હોવાનો સાંસદનો દાવો

મુંબઈઃ શારીરિક શોષણના આક્ષેપો બાદ છેલ્લા ૩૬ મહિનાથી જર્મનીમાં પાલક સેવામાં રહેતી થાણે જિલ્લાની સાડા ત્રણ વર્ષની બાળકીને વહેલી તકે ભારત પરત લાવવા માટે વિદેશ મંત્રાલય પ્રયાસો કરી રહ્યું હોવાની જાણકારી સ્થાનિક સંસદ સભ્ય નરેશ મ્હસ્કેએ જણાવ્યું છે.
અરિહા નામની બાળકીની વાપસી માટે સરકાર કાયદાકીય પ્રક્રિયા ઝડપથી આગળ વધારી રહી છે એવી ખાતરી વિદેશ પ્રધાન એસ જયશંકરે આપી છે. બાળકીના માતા-પિતા હાલ જર્મનીમાં છે અને હવે મહિનામાં બે વાર પોતાની પુત્રીને મળી શકે છે એમ મ્હસ્કેએ એક યાદીમાં જણાવ્યું હતું. અરિહાના માતા-પિતા ભાવેશ અને ધારા શાહ થાણે જિલ્લાના મીરા ભાયંદરના રહેવાસી છે.
આ મહિનાના પ્રારંભમાં થાણાના સંસદ સભ્યે સંસદમાં આ મામલો ઉઠાવ્યા બાદ વિદેશ પ્રધાને તેમને પત્ર લખીને તેમના મંત્રાલય દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની વિગતો આપી હતી.
આ પણ વાંચો: આ દેશો ભારતીય બાળકોને તેમના માતા-પિતા પાસેથી છીનવીને અનાથાશ્રમમાં મોકલી રહ્યા છે
જયશંકરે 16 ઓગસ્ટે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘અમારા’ હસ્તક્ષેપના પરિણામે જર્મન યુથ વેલ્ફેર ઓથોરિટીઝે માતાપિતાને મુલાકાત આપવાના કોર્ટના આદેશ સામે અપીલ નહીં કરવાનો નિર્ણય લીધો હતો.
બર્લિનમાં વિદેશ મંત્રાલય અને દૂતાવાસના અધિકારીઓ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ચાલતા શીખી રહેલું બાળક ભારતીય સંસ્કૃતિથી વાકેફ થાય અને જૈન ધર્મ, ભારતીય તહેવારો અને સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓના વાતવરણમાં રાખી તેના મૂળ ઉછેરની પરંપરાઓથી પરિચિત થાય. પાલક માતાપિતા આ વાતાવરણનો યોગ્ય રીતે ઉપયોગ કરે એવી વિનંતી પણ પત્રમાં કરવામાં આવી હતી.
પત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, દૂતાવાસના અધિકારીઓ દ્વારા અરિહાને બે વખત ભારતીય મંદિરોમાં લઈ જવામાં આવી છે અને તેને ગુજરાતી/હિન્દી શીખવી શકાય એવી વ્યવસ્થા કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.