આમચી મુંબઈમહારાષ્ટ્ર

જુહુ, ડીએન નગરમાં બિલ્ડિંગની ઊંચાઈ પરનો પ્રતિબંધ દૂર થવાની સંભાવના, કોને થશે રાહત?

મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જુહુ (વિલેપાર્લે – પશ્ચિમ) અને ડી એન નગર (અંધેરી – પશ્ચિમ)માં એરપોર્ટ ઓથોરિટીના ટ્રાન્સમિટરને અન્ય સ્થળે ખસેડવા માટે જમીનની અદલાબદલીને મંજૂરી આપી દીધી છે આ નિર્ણયને કારણે આ વિસ્તારમાં ઇમારતના બાંધકામની ઊંચાઈ પરનો પ્રતિબંધ દૂર થવાની શક્યતા વધી ગઈ છે.

જો એ પ્રમાણે થશે તો 400થી વધુ ઈમારતનું રિડેવલપમેન્ટ થશે. મુખ્ય પ્રધાને આ બાબતે ઉડ્ડયન ખાતાના પ્રધાન કે. નાયડુને પત્ર લખી ટ્રાન્સમિટરને અન્યત્ર ખસેડવા માટે જમીનની અદલાબદલી કરવાની તૈયારી દેખાડી છે.

એરપોર્ટ ઓથોરિટીના હાઈ ફ્રિકવન્સી ટ્રાન્સમિટરના કારણે આ ઇમારતોની ઊંચાઈ મર્યાદિત કરવામાં આવતા પુનર્વિકાસ ટલ્લે ચડી ગયો હતો. રાજ્ય સરકારે ટ્રાન્સમિટરને ગોરાઇમાં સ્થાનાંતરિત કરવા માટે એરપોર્ટ ઓથોરિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે જમીન અદલાબદલીને મંજૂરી આપી છે.

આપણ વાંચો: હીરાસર એરપોર્ટ પરથી ઈન્ટરનેશનનલ ફ્લાઈટ્સ નહીં ઉડે, રાજકોટ કોંગ્રેસનો હલ્લાબોલ

જુહુ અને આસપાસના વિસ્તારોમાં ઇમારતની ઊંચાઈ 57 મીટર (16 માળ) સુધી મર્યાદિત હતી. જો કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઈ) એ જાન્યુઆરી 2022માં એક સુધારિત આદેશ જારી કરી ટ્રાન્સમીટરના પ્રસારણમાં અવરોધ આવે છે એવું જણાવી બિલ્ડિંગની ઊંચાઈ 33 મીટર (10 માળ) સુધી મર્યાદિત કરી હતી.

અત્યાર સુધીમાં અનેક હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં 16 માળની ઇમારતો બનાવવામાં આવી છે. કેટલાક હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પ્રારંભિક 57 મીટરની ઊંચાઈની મંજૂરી રદ કરી 33 મીટરની ઊંચાઇના નો – ઓબ્જેક્શન સર્ટિફિકેટ (ના હરકત પ્રમાણપત્ર) જારી કર્યા હતા.

જુહુ અને ડી એન નગર વિસ્તારમાં જૂની ઇમારતોના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ 33 મીટરની ઊંચાઈના પ્રતિબંધને કારણે રખડી પડ્યા હતા. જુહુ વિસ્તારમાં ડેવલપર્સે 33 મીટરની ઊંચાઇ પ્રમાણે જ પ્રોજેક્ટ મંજૂર કરાવ્યો હતો. પરિણામે રહેવાસીઓને અગાઉની જેમ વધારે જગ્યાનો લાભ મળ્યો ન હતો. થયું એવું કે ડી એન નગર વિસ્તારમાં પ્રતિબંધને કારણે પ્રોજેક્ટ્સ અટકી ગયા. વિકાસકર્તા નવા પ્રોજેક્ટ્સ લેવા આગળ ન આવતા પુનર્વિકાસ અટકી ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button