નવી દિલ્હીઃ ભારતીય એવિએશન ઇન્ડસ્ટ્રીની માઠી દશા બેઠી હોય એમ લાગે છે. આજે સવારે જ દિલ્હી એરપોર્ટનો છતનો કેટલોક ભાગ તૂટી પડતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અનેક વાહનો કચડાઇ ગયા હતા. અકસ્માતને કારણે વિમાની સેવાઓને પણ અસર થઇ હતી.
આટલું ઓછું હોય તેમ હવે બે ફ્લાઇટને બૉમ્બની ધમકી મળ્યાના સમાચાર જાણવા મળ્યા છે. કોલકાતા-પુણે એર એશિયા ફ્લાઇટને બોમ્બની ધમકી મળી છે અને એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે સ્ટાફને કહ્યું કે તેની બેગમાં બોમ્બ છે, ત્યાર બાદ હોબાળો મચ્યો છે.
કોલકાતાથી પુણે જતી એર એશિયાની ફ્લાઈટને શુક્રવારે બોમ્બની ધમકી મળી હતી. 100 થી વધુ મુસાફરો સાથેની ફ્લાઇટ I5-319ને ધમકી મળ્યા બાદ તરત જ ખાલી કરવામાં આવી હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. CISF અને એરપોર્ટ ઓથોરિટી હાલમાં ઝીણવટભરી તપાસ કરી રહી છે. વિગતવાર તપાસ માટે પ્લેનને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Bomb threat: વિસ્તારા ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી, મુંબઈ એરપોર્ટ પર ફૂલ સ્કેલ ઈમરજન્સી જાહેર કરાઈ
બીજો બનાવ એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં બન્યો છે. ફ્લાઇટમાં પ્રવાસ કરનાર મુસાફરે સ્ટાફને કહ્યું કે તેની બેગમાં બોમ્બ છે. ત્યાર બાદ ત્યાં હડકંપ મચી ગયો હતો. ટ્રાન્ઝિટ ચેકિંગ દરમિયાન પ્રવાસીએ સ્ટાફને તેની બેગમાં બોમ્બ હોવાની માહિતી આપી હતી. એરલાઈન્સ સ્ટાફે તરત જ ‘બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી’ (BTSC) ને જાણ કરી અને તેની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ટીમે તરત જ પેસેન્જરની બેગ તપાસવાનું શરૂ કર્યું જેથી બોમ્બને કાઢી શકાય.
જોકે, હજી સુધી એ જાણવા મળ્યું નથી કે પ્રવાસીની બેગમાં બૉમ્બ હતો કે નહીં. સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં બૉમ્બ હોવાની માહિતી નકલી હોવાનું જાણવા મળે છે. ભૂતકાળમાં પણ આવા બનાવો બન્યા છે. ફ્લાઇટ દરમિયાન મુસાફરોએ બૉમ્બની ધમકી આપી છે, પણ પછી કંઇ મળ્યું નથી.
હકીકત એ છે કે જ્યારે બૉમ્બની માહિતી મળે ત્યારે એરપોર્ટ ઑથોરિટીએ નિયમાનુસાર તુરંત પગલાં તો લેવા જ પડે છે.