ન્યાયમૂર્તિએ મોભો જાળવવો જોઈએ: હાઈ કોર્ટે શા માટે કરી મહત્ત્વની ટિપ્પણી

મુંબઈ: ન્યાયમૂર્તિએ મોભો જાળવીને જ વર્તવું જોઈએ અને ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને લાંછન લાગે એવું વર્તન ન જોઈએ એમ બોમ્બે હાઈ કોર્ટે આજે જણાવ્યું હતું. નશામાં ચૂર થઈ અદાલતમાં આવવાનો આરોપ જેમના પર છે એ દીવાની કોર્ટના ન્યાયાધીશની ફેરનિમણૂક નકારતી વખતે અદાલતે આ નિવેદન કર્યું હતું.
એકથી વધુ વાર નશાની હાલતમાં અદાલતમાં આવવા બદલ તેમ જ અઘટિત વર્ણનના આક્ષેપને કારણે સિવિલ જજ (જુનિયર ડિવિઝન)ના પદ પરથી કરવામાં આવેલી હકાલપટ્ટી પડકારતી અરજી અનિરુદ્ધ પાઠક (52 વર્ષ)એ હાઈ કોર્ટમાં દાખલ કરી હતી.
જાન્યુઆરી 2022માં મહારાષ્ટ્ર સરકારના કાયદો અને ન્યાયતંત્ર વિભાગે તેમને ન્યાયતંત્રની સેવામાંથી હટાવવાના આદેશને પાઠકે પડકાર્યો હતો.
નંદુરબારના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ દ્વારા સાદર કરવામાં આવેલા અહેવાલના પગલે આ આદેશ આપવામાં આવ્યો હતો. સિવિલ જજ જુનિયર ડિવિઝન તરીકે પાઠકની નિમણૂક માર્ચ 2010માં કરવામાં આવી હતી અને તેમની હકાલપટ્ટી થવા પૂર્વે વિવિધ જિલ્લાઓમાં તેમની નિયુક્તિ કરવામાં આવી હતી.