ધૂળેટીના દિવસે લોકલ ટ્રેન કે બેસ્ટની બસ પર ફૂગ્ગા કે કલર ફેંક્યો છે તો ખેર નથી…
મુંબઈઃ હોળી એટલે રંગોનો તહેવાર અને એની ઉજવણી માટે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. માત્ર રાજ્ય જ નહીં પણ શહેરમાં પણ વિવિધ ઠેકાણે હોલી પાર્ટી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પર પ્રશાસન દ્વારા કડક જાપ્તો રાખવામાં આવ્યો છે. ધૂળેટીના દિવસે કોઈ પણ પ્રકારના અનિચ્છનિય બનાવો ના બને એ માટે રેલવે સહિત બેસ્ટ પ્રશાસન સહિત પોલીસ તંત્ર પણ એકદમ સજ્જ છે.
હોળી સહિત રંગપંચમીના દિવસે લોકલ ટ્રેન પર કલર કે પાણી ભરેલા ફૂગ્ગા, કાચની બાટલીઓ વગેરે ફેંકવામાં આવતા પ્રવાસીઓને ઈજા થવાની પૂરેપૂરી શક્યતા છે જેથી આવું ન કરવાની અપીલ અતિઉત્સાહી, અસામાજિક તત્ત્વોને કરવામાં આવી છે. માત્ર લોકલ ટ્રેન જ નહીં પણ બેસ્ટની બસ પર પણ ફુગ્ગા અને કલર ફેંકનારાઓ સામે કાયેદસરની કાર્યવાહી કરીને ગુનો નોંધવામાં આવશે.
આપણ વાંચો: Holi Hair Care Tips: હોળી પર રંગોથી ડેમેજ થતાં વાળને કઈ રીતે બચાવશે? આ રીતે રાખો સંભાળ
ધૂળેટીના દિવસે બસ અને લોકલ ટ્રેન પર ફૂગ્ગા મારવાની કે કલર ફેંકવાની ઘટનામાં છેલ્લાં કેટલાક સમયમાં ખાસ્સો એવો વધારો જોવા મળ્યો છે. ધૂળેટીના એકાદ-બે દિવસ પહેલાંથી જ આવી ઘટનાઓ બનતી હોય છે. સ્લમ કે ભીડભાડવાળા વિસ્તારમાંથી ટ્રેન કે બસ પસાર થઈ રહી હોય એવા સમયે તો અચૂક આવા એકાદ-બે બનાવ બને જ છે અને એને કારણે ભૂતકાળમાં પ્રવાસીઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની ઘટનાઓ પણ બની છે. પરિણામે આ વર્ષે આવી ઘટનાઓ ન બને એ માટે રેલવે દ્વારા કાયદાની મદદ લેવામાં આવી છે.
રેલવે પ્રશાસન દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આ ચિમકી ઉચ્ચારવામાં આવી હોઈ નાગરિકોએ આ નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં એવી તાકીદ પણ કરવામાં આવી છે. હોળી-ધૂળેટીના દિવસે રજા ન હોવાને કારણે ઘણા લોકો ઓફિસ જવા કે અન્ય કામ કામ માટે ઘરેથી નીકળે છે. પરંતુ ઉપદ્રવી અને અસામાજિક તત્ત્વોની હેરાનગતિને કારણે તેમણે હેરાન થવું પડે છે. પરંતુ હવે રેલવે અને બેસ્ટ દ્વારા આવી ઘટનાઓ પર નિયંત્રણ મેળવવા માટે કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.