પહેલાથી પાંચમા ધોરણ માટે હિન્દી ફરજિયાત: મનસેની વિદ્યાર્થી પાંખનું વિરોધ પ્રદર્શન

મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની વિદ્યાર્થી પાંખના કાર્યકરોએ શુક્રવારે નવી મુંબઈમાં મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પહેલાથી પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ માટે હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવાના રાજ્ય સરકારના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વાશીમાં સેંકડો વિરોધીઓએ બેનરો અને પ્લેકાર્ડ લહેરાવ્યા અને સરકારી ઠરાવની નકલો સળગાવી હતી.
તેમણે રાજ્ય વહીવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને આરોપ લગાવ્યો કે તે સમૃદ્ધ ભાષાકીય વારસો ધરાવતા પ્રદેશમાં હિન્દી ભાષા લાદવાનો પ્રયાસ કરી રહ્યો છે. પહેલાથી પાંચમા ધોરણ માટે ત્રણ ભાષાનું સૂત્ર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) 2020 હેઠળ નવા અભ્યાસક્રમ અમલનો એક ભાગ છે.
આપણ વાંચો: રાજ ઠાકરે બનશે શિવસેના સુપ્રીમો? મહારાષ્ટ્ર નવનિર્માણ સેના શિવસેનામાં વિલીન થાય તેવી શક્યતા
રાજ્યના શાળા શિક્ષણ વિભાગે શાળા શિક્ષણ માટે એનઈપી-2020ની ભલામણો અનુસાર રચાયેલ નવા અભ્યાસક્રમ માળખાના તબક્કાવાર અમલની યોજના જાહેર કરી છે.
પત્રકારો સાથે વાત કરતા, મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેનાના કાર્યકરોએ દાવો કર્યો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) 2020માં હિન્દીને ફરજિયાત વિષય તરીકે લાગુ કરવાની કોઈ જોગવાઈ નથી.
‘આ એક અનૈચ્છિક રીતે લાદવામાં આવ્યું છે. એનઈપી 2020માં ક્યાંય પણ હિન્દીને ફરજિયાત બનાવવાનો ઉલ્લેખ નથી,’ એમ એક વિદ્યાર્થી નેતાએ કહ્યું હતું, હિન્દી લાદવાના તમિલનાડુના મજબૂત વિરોધ સાથે સમાનતા દર્શાવતા અને મહારાષ્ટ્રભરના રાજકીય પક્ષોને વિરોધમાં એક થવા વિનંતી કરી હતી.