આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ઉત્તર મુંબઈની બેઠક પરથી ગોયલે ભર્યું ઉમેદવારીપત્ર, MVAએ કોને આપશે ટિકિટ?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
બાંદ્રા ખાતે રિટર્નિંગ ઓફિસર સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભરીને કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલે સત્તાવાર રીતે લોકસભાની ચૂંટણીની લડત માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં ગોયલે ઉત્તર-મુંબઈ લોકસભા બેઠક માટે ભાજપ તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પહેલી જ વખતે પિયૂષ ગોયલ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ મહાવિકાસ આઘાડી (એમવીએ) તરફથી કોને ટિકિટ આપવામાં આવે છે એ જોવાનું રહેશે, એમ રાજકીય વર્તુળે જણાવ્યું હતું.

ઉત્તર-મુંબઈ લોકસભા બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે અને વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી છેલ્લાં અનેક વર્ષોથી ઉત્તર-મુંબઈ વિસ્તારમાં ભાજપનો દબદબો રહ્યો છે, જેના કારણે પિયૂષ ગોયલ માટે આ સેફ સીટ માનવામાં આવી રહી છે. એટલે જ તેમની સાથે હાજર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે પિયૂષ ગોયલની જીત નિશ્ચિત છે. શિંદેએ આ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા કેન્દ્રની મોદી સરકારે છેલ્લાં દસ વર્ષમાં અને રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં બે વર્ષમાં કરેલા વિકાસકાર્યોનો ઉલ્લેખ પણ કર્યો હતો.

આપણ વાંચો: ઉત્તર પશ્ચિમ મુંબઈની બેઠક પરથી એકનાથ શિંદેની શિવસેનાએ ઉમેદવાર કર્યો જાહેર

હાલ પિયૂષ ગોયલ રાજ્યસભાના સાંસદ છે અને પહેલી વખત તે લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ ગોયલે જણાવ્યું હતું કે કૉંગ્રેસએ નીતિ અને નેતૃત્વ વિનાની એક અસફળ પાર્ટી છે.

આ દરમિયાન એકનાથ શિંદેએ મુંબઈની તમામ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મુંબઈની છએ છ લોકસભા બેઠક મહાયુતિ જીતશે. ઉલ્લેખનીય છે કે 20મી મેના રોજ મુંબઈમાં છ લોકસભા બેઠક માટે મતદાન યોજવામાં આવશે. 20મી મેના ચૂંટણી યોજવાની હોવા છતાં હજુ સુધી મહાવિકાસ આઘાડી (એમવીએ) તરફથી કોઈ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button