ગેરકાયદે ફેરિયાઓ સામેના કાયદાને અમલમાં મૂકવામાં નિષ્ફળ સરકારને હાઇ કોર્ટનો સવાલ

મુંબઈ: ગેરકાયદે ફેરિયાઓ સામેના કાયદાની જોગવાઇઓ સંપૂર્ણરીતે અમલમાં મૂકવામાં નિષ્ફળ જવા માટે બૉમ્બે હાઇ કોર્ટે આજે મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. સતત પાલિકા સાથે એકબીજા પર દોષનો ટોપલો ઢોળવામાં વ્યસ્ત રહેવાને કારણે નાગરિકોને સતત સહન કરવું પડી રહ્યું છે, એમ હાઇ કોર્ટે કહ્યું હતું.
આ પ્રકરણે વખતોવખત આદેશો આપવા છતાં પગલાં ન લેવાયા હોવા પર નારાજગી વ્યક્ત કરતા હાઇ કોર્ટે ચેતવણી આપી હતી કે જો આવું જ ચાલતું રહેશે તો કોર્ટના આદેશનો અનાદર કરવાની કાર્યવાહી કરવા સિવાય બીજો કોઇ પર્યાય તેની પાસે નહીં વધે.
હાઇ કોર્ટે નોંધ્યું હતું કે દસ વર્ષ પહેલા બનાવવામાં આવેલા સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટની જોગવાઇઓ હજી સુધી સંપૂર્ણ રીતે અમલમાં મૂકવામાં સરકાર નિષ્ફળ રહી છે અને તેને કારણે શહેરના નાગરિકોને જાહેર રસ્તાઓ પર ગેરકાયદે ફેરિયાઓનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: વિદ્યાર્થીઓમાં વધતી આત્મહત્યા અંગે કોર્ટે સત્તાવાળાઓને શું કરી અપીલ?
આ બહુ કમનસીબ અને દુ:ખદ કહેવાય કે ૨૦૧૪થી સંસદીય કાયદાની જોગવાઇઓ સરકારે અમલમાં મૂકી નથી, પરંતુ સહકાર ન આપવા અંગે પાલિકા પર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે, એમ કોર્ટે કહ્યું હતું.
એવું નથી કે ફક્ત કાયદાને અમલમાં નથી મૂકાયો, પરંતુ સમયાંતરે કોર્ટ દ્વારા જે આદેશો બહાર પાડવામાં આવ્યા છે તેનું પણ પાલન કરવામાં આવ્યું નથી. આવી તે શું મજબૂરી છે? પાલિકા સહકાર નથી આપતી એવો સરકારનો આક્ષેપ છે.
પાલિકા અન્ય કોઇને દોષી ઠરાવે છે. બધા એકબીજાને જવાબદાર ઠરાવે છે ત્યારે ફક્ત સામાન્ય લોકોને જ સહન કરવું પડી રહ્યું છે. આ સમસ્યા માટે કાયદો હોવા છતાં નાગરિકોની સમસ્યા ક્યારે દૂર થશે તેનો જવાબ આપો, એમ કોર્ટે કડક શબ્દોમાં સરકારની ઝાટકણી કાઢી હતી.
હાઇ કોર્ટે સરકારની ૩૦મી સપ્ટેમ્બર સુધી સંબંધિત યોજના બનાવવાનું કહ્યું હતું અને ચેતવણી પણ આપી હતી કે જો એવું નહીં થાય તો કોર્ટ સરકાર સામે આદેશના અનાદરની કાર્યવાહી કરવા માટે પણ અટકાશે નહીં.
(પીટીઆઇ)