નેશનલ

સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન જ દાઉદી વહોરા સમુદાયના ધર્મગુરુ: હાઇ કોર્ટ

વિશ્ર્વભરમાં દાઉદી વહોરા સમુદાયમાં આનંદની લહેર ક દસ વર્ષની કાયદાકીય લડતનો અંત: ભત્રીજા સૈયદના કુઝૈમા કુતબુદ્દીનની અરજી ફગાવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લગભગ દસ વર્ષની કાયદાકીય લડત બાદ દાઉદી વહોરા સમુદાયના ધર્મગુરુ (દાઇ-અલ-મુતલક)ના વિવાદનો અંત બૉમ્બે હાઇ કોર્ટેના ચુકાદા દ્વારા આવ્યો હતો અને હાલના સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના પક્ષમાં ફેંસલો આપી તેમને જ દાઉદી વહોરા સમુદાયના વડા તરીકે ભવિષ્યમાં કામગીરી ચાલુ રાખવાનું જણાવ્યું હતું. એટલે કે લગભગ એક દાયકાની રાહ જોયા બાદ પોતાના ધર્મગુરુની નિમણૂક યોગ્ય રીતે થઇ હોવાની વાત પર બૉમ્બે હાઇ કોર્ટની મહોર લાગતા દાઉદી વહોરા સમુદાયના પંદરથી વીસ લાખ લોકોમાં આનંદની લહેર જોવા મળી હતી.

બૉમ્બે હાઇ કોર્ટની જસ્ટિસ ગૌતમ પટેલની સિંગલ બેન્ચે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના ભત્રીજા સૈયદના તાહેર ફકરુદ્દીન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી હતી.

સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનને દાઉદી વહોરા સમુદાયના વડા તરીકેની નિમણૂકને પડકારતી સૌપ્રથમ અરજી સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના ભાઇ સૈયદના કુઝૈમા કુતબુદ્દીન દ્વારા માર્ચ ૨૦૧૪માં દાખલ કરવામાં આવી હતી.

આ ચુકાદો આપતી વખતે જસ્ટિસ ગૌતમ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે અદાલતનો ફેંસલો સંપૂર્ણપણે તથ્યો અને પુરાવા પર આધારિત છે અને ભાવનાઓને ધ્યાનમાં લઇને નથી લેવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં અરજદાર તરફથી સિનિયર એડ્વોકેટ આર.એમ.કદમ જ્યારે બચાવ પક્ષ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન તરફથી સિનિયર એડ્વોકેટ જે.ડી.દ્વારકાદાસ અદાલતમાં હાજર રહ્યા હતા.

આ અરજીમાં સૈયદના કુઝૈમા કુતબુદ્દીને તેમના ભાઇ તેમ જ દાઉદી વહોરા સમુદાયના બાવનમા દાઇ-અલ-મુતલક સૈયદના મોહમ્મદ બુર્હાનુદ્દીન દ્વારા પોતાને ૫૩મા દાઇ-અલ-મુતલક તરીકે નિમવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

જોકે, ૧૭ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને તેમના પિતા તેમ જ બાવનમા દાઇ-અલ-મુતલકના મૃત્યુ બાદ પોતાને ૫૩મા દાઇ-અલ-મુતલક જાહેર કરી સમુદાયની મિલકતનો તાબો લઇ લીધો હોવાનું અરજીમાં જણાવવામાં આવ્યું હતું.

આ ઉપરાંત અરજીમાં સૈયદના મુફદ્દલને દાઉદી વહોરા સમુદાયની મિલકતો જેમ કે સૈફી મસ્જિદ, રૌદત તાહેરા, સમુદાયની મસ્જિદો, દારુલ-ઇમારત, કોમ્યુનિટી હૉલ, મૌસેલમ, શાળાઓ, કોલેજો અને કબ્રસ્તાનમાં પ્રવેશ ન આપવાનો આદેશ આપવાની વિનંતી પણ અરજીમાં કરવામાં આવી હતી. અરજીમાં સૈયદના કુતબુદ્દીન દ્વારા પોતાને ૫૩મા દાઇ-અલ-મુતલક જાહેર કરવામાં આવે અને સમુદાયની બધી જ સ્થાવર અને જંગમ મિલકત પર હક્ક આપવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

જોકે, આ કેસની સુનાવણી હજી ચાલી રહી હતી ત્યારે ૨૦૧૬માં સૈયદના કુતબુદ્દીનનું મૃત્યુ થયું હતું, ત્યારબાદ તેમના પુત્ર સૈયદના તાહેર ફકરુદ્દીન દ્વારા તેમના પિતાની જગ્યાએ પોતે ખટલો લડવાની પરવાનગી માગતી અરજી કરી હતી. સૈયદના ફકરુદ્દીને અરજીમાં દાવો કર્યો હતો કે તેમના પિતાએ તેમને ૫૪મા દાઇ-અલ-મુતલક નિમ્યા છે.

જ્યારે સૈયદના મુફદ્દલે પોતાના બચાવમાં દાવો કર્યો હતો કે ૨૦૧૧માં જ્યારે તેમના પિતા લંડનમાં હતા ત્યારે તેમણે પોતાને દાઇ-અલ-મુતલક નિમ્યા હતા અને પખવાડિયા બાદ મુંબઈમાં તેની જાહેરાત પણ કરી હતી. હાઇ કોર્ટે સૈયદના મુફદ્દલની દલીલ માન્ય રાખતા તેમના પક્ષમાં ફેંસલો આપી દાયકા જૂની કાયદાકીય લડતને સમાપ્ત કરી હતી.

કોણ છે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન?
સૈયદના મુફદ્દલ સૈફુદ્દી વિશ્ર્વભરના દાઉદી વહોરા સમુદાયના વર્તમાન વડા છે અને તે ૫૩મા અલ-દાઇ-અલ-મુતલક છે. તે વિશ્ર્વભરના દાઉદી વહોરા સમુદાયના આગેવાન છે અને તેમના અનુયાયીઓનું માર્ગદર્શન કરે છે તેમ જ તેમને તેમની આસ્થા, સંસ્કૃતિ અને વારસા તરફ પ્રેરે છે.

હાઇ કોર્ટનો ચુકાદો ઐતિહાસિક: દાઉદી વહોરા સમુદાય
દાઉદી વહોરા સમુદાય દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડીને હાઇ કોર્ટના ચુકાદાને ઐતિહાસિક ગણાવવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે આ ચુકાદો અત્યંત સુયોગ્ય રીતે અપાયો છે અને દાઉદી વહોરા સમુદાયની આસ્થા અને ધાર્મિક સિદ્ધાંતો તેમ જ તથ્યોનું ખોટું અર્થઘટન કરનારાની અરજીને સચોટ રીતે ફગાવી દેવામાં આવી છે. અમને હંમેશાંથી જ ભારતીય ન્યાયપ્રણાલીમાં પૂરો વિશ્ર્વાસ અને શ્રદ્ધા રહી છે. ભારતીય ન્યાયવ્યવસ્થાએ હંમેશાં દાઉદી વહોરા સમુદાયના સૈયદના અને અમારી આસ્થા અને શ્રદ્ધાનું સમર્થન કર્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
“Discover the Magic of Morning Chews” Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way