સલમાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર: શુું શૂટરો પોતાને પકડાવવા માગતા હતા? | મુંબઈ સમાચાર

સલમાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર: શુું શૂટરો પોતાને પકડાવવા માગતા હતા?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
સલમાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર કરવા પ્રકરણે ધરપકડ કરાયેલા બન્ને આરોપી ગુપ્તા અને પાલ પ્રોફેશનલ શૂટર હોવા છતાં તેમણે અનેક ભૂલો કરી હોવાનું પ્રથમદર્શી જણાયું હતું. જોકે બિશ્નોઈ ગૅન્ગની ધાક જમાવવા માટે શૂટરો પોતાને પકડાવવા માગતા હોય તેમ જાણીજોઈને કેટલાક પુરાવા છોડી ગયા હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે.

પોલીસ તપાસમાં જણાયું હતું કે ગોેળીબાર પછી આરોપીઓએ ગુનામાં વપરાયેલી બાઈક સલમાનના ઘરથી થોડે જ અંતરે માઉન્ટ મૅરી ચર્ચ નજીક છોડી દીધી હતી. બાઈકના રજિસ્ટ્રેશનના નંબરને આધારે પોલીસ પનવેલમાં રહેતા બાઈકના મૂળ માલિક સુધી પહોંચી હતી. બાઈક પચીસ હજાર રૂપિયામાં એક શખસને વેચવામાં આવી હોવાનું માલિકે કહ્યું હતું. એ શખસ હરિગ્રામ પરિસરમાં રહેતો હોવાની માહિતી પણ પોલીસને આપવામાં આવી હતી.

પનવેલમાં સલમાનના ફાર્મ હાઉસ નજીક હરિગ્રામ પરિસરમાં શૂટરોએ મહિને સાડાત્રણ હજાર રૂપિયે રૂમ ભાડે લીધી હતી. રૂમ માટે 11 મહિનાનું એગ્રિમેન્ટ કરી 10 હજાર રૂપિયા ડિપોઝિટ પણ આપી હતી. છેલ્લા 21 દિવસથી શૂટરો આ રૂમમાં રહેતા હતા. રૂમ ભાડે લેતી વખતે આરોપીઓએ પોતાના ઑરિજિનલ આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો આપ્યા હતા. એ સિવાય ગોળીબાર પછી ફરાર થયેલા આરોપીઓએ પોતાના મોબાઈલ ફોન ઑન જ રાખ્યા હતા.

આપણ વાંચો: સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ફાયરિંગ કેસમાં ગુનો નોંધ્યો, એક કિલોમીટર દૂરથી મળી બાઈક

એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ગુનો આચરતાં પહેલાં શૂટરો દ્વારા ઘણી તકેદારી રાખવામાં આવતી હોય છે, જેથી કાવતરાને અંજામ આપ્યા પછી પોલીસ તેમના સુધી પહોંચી ન શકે. જોકે આ કેસમાં શૂટરોની પ્રવૃત્તિ શંકાસ્પદ જણાય છે. બાઈક સલમાનના ઘર નજીક છોડી દીધી. વળી, બાઈક ખરીદવા આરોપી સામેથી બાઈક માલિક પાસે ગયા. રૂમ ભાડેથી લેતી વખતે પોતાના ઑરિજિનલ દસ્તાવેજોની નકલ આપી. સામાન્ય રીતે આરોપી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરતા હોય છે. ફરાર થતી વખતે આરોપીએ મોબાઈલ સ્વિચ ઑફ્ફ પણ ના કર્યો. મોબાઈલ ટ્રેસ કરીને પોલીસ આરોપી સુધી પહોંચી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ રાજસ્થાનમાં ધાક જમાવ્યા પછી મુંબઈમાં પણ પોતાનું વર્ચસ બનાવવા માગે છે. શૂટરો પકડાઈ જવાને કારણે બિશ્નોઈ ગૅન્ગનું નામ ચર્ચામાં આવતાં બોલીવૂડની અન્ય હસ્તીઓમાં ડર ઊભો કરવાનો ઇરાદો ટોળકીનો હોઈ શકે.

સંબંધિત લેખો

Back to top button