મલાડમાં કપડાંની દુકાનમાં ભીષણ આગ, જાનહાનિ નહીં

મુંબઈ: મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આગના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, જેમાં ગઈકાલે રાત મલાડમાં આગ લાગ્યા પછી આજે ફરી બપોરે આગ લાગી હતી. મલાડ પૂર્વના સેન્ટ્રલ પ્લાઝામાં એક કપડાંની દુકાનમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. મલાડના દિંડોશી વિસ્તારમાં આવેલા આ કોમ્પ્લેક્સમાં આગ લાગ્યા હોવાની જાણ થતાં સ્થાનિક નાગરિકોએ અગ્નિશમન દળને સૂચના આપી હતી. આ ઘટનાને લઈને તરત જ અગ્નિશમન દળની આઠ ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લાવી હતી.
આજે બપોરના આઠ માળની કમર્શિયલ બિલ્ડિંગના પાંચમા માળે અચાનક નાગરિકોને ધુમાડો જોવા મળ્યો હતો ત્યાર બાદ તેની માહિતી ફાયર બ્રિગેડને આપી હતી. વર્ધમાન ગાર્મેન્ટ શોપમાં બપોરના લગભગ 1.11 વાગ્યાના સુમારે આગ લાગી હતી, જેમાં પાંચમા અને છ્ઠ્ઠા માળે આગ લાગી હતી. આગને કાબૂમાં લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ આ આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી, જ્યારે તેની તપાસ ચાલુ છે, એમ ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું.
આપણ વાંચો: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ભીષણ આગ
ઉલ્લેખનીય છે કે આ અગાઉ મલાડ પશ્ચિમમાં બોમ્બે ટોકિઝના કમ્પાઉન્ડમાં પણ આગ લાગી હતી, પરંતુ આગ લાગ્યા પછી ફાયર બ્રિગેડના જવાનોએ આગને તાત્કાલિક નિયંત્રણમાં લાવ્યા હતા. આ ઉપરાંત, 22 માર્ચે મુંબઈ-ગોરખપુર ગોદાન એક્સ્પ્રેસના એક કોચમાં ભયાનક આગ લાગી હતી. શુક્રવારે બનેલી આગની ઘટનાની જાણ થતાં એક્સ્પ્રેસ ટ્રેન નાશિક રોડ સ્ટેશન નજીક હતી આ દરમિયાન ટ્રેનને રોકી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને આગનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે, એવી માહિતી એક અધિકારીએ કહ્યું હતું