એક્સાઈઝ વિભાગનો સપાટોઃ બ્રાન્ડેડ દારુમાં કેમિકલની ભેળસેળ કરનારા 6 ગઠિયા પકડાયા

મુંબઈઃ ચૂંટણી દરમિયાન મતદારોને રિઝવવા પાર્ટીઓ દ્વારા દારૂ પણ વહેંચવામાં આવતો હોય છે ત્યારે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક્સાઈ વિભાગ એક્શન મોડમાં આવી ગયુ છે. ઓનલાઈન બનાવટી ઈમ્પોર્ટેડ દારુનું વેચાણ કરવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જ્યારે તેમાં છ લોકોની ધરપકડ કરી છે.
બ્રાન્ડેડ દારુમાં કેમિકલની ભેળસેળ કરવાના કિસ્સામાં 61 લાખના મુદ્દામાલ સાથે છ જણની ધરપકડ કરવામાં આવી છે. એરપોર્ટથી જપ્ત કરવામાં આવેલા ઈમ્પોર્ટેડ દારૂના નામ પર બનાવટી વિદેશી દારૂ મુંબઈના કેટલાય હાઈ પ્રોફાઈલ લોકોને વેચવામાં આવતો હતો.
આ વાતની જાણ એક્સાઈઝ વિભાગને થઈ હતી. આ સૂચનાને લઈ સોશ્યલ મીડિયા પર આવતી એડવર્ટાઈઝના આધારે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી બાદમાં પોલીસે જુહૂ તારા રોડ, મીરા રોડ અને મલાડમાં છટકું ગોઠવ્યું હતું. આ જ વિસ્તારમાં એક રિક્ષાચાલકને રોક્યો હતો, તેની તપાસમાં 24 વિદેશી દારૂની બોટલ જપ્ત કરી હતી. જોકે, વધુ તપાસ કરતા આ બનાવટી દારુ હોવાનો ખુલાસો થયો હતો.
અધિકારીઓએ આ કેસમાં નશી બાભણિયા, વિજય યાદવ અને દિલીપ દેસાઈની ધરપકડ કરી હતી. પૂછપરછ બાદ ધરપકડ કરાયેલા લોકોના ઘરો પર છાપો મારી જુદી-જુદી વિદેશી બ્રાન્ડની નકલી દારૂની 125 બોટલ સહિત કુલ રૂપિયા 28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
થાણે જિલ્લામાં પણ 30 અલગ અલગ સ્થાળોએ છાપો મારવામાં આવ્યો હતો. અહીં કાર્યવાહી કરીને પોલીસે 90,000 લિટર કેમિકલ, 105 લિટર દેશી દારૂ મળી કુલ રૂપિયા 33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં બે લોકોની ધરપકડ કરી બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
આપણ વાંચો: દિલ્હી લીકર કૌભાંડમાં આપ સાંસદ વિરુદ્ધ ઈડીએ ચાર્જશીટમાં લગાવ્યા આ આરોપ
આ ગેંગના લોકો દારૂની બોટલને ભંગારમાંથી ખરીદતા હતા અને તેમાં નકલી દારૂ ભરી, સીલ પણ લગાવી તેનું ઓનલાઈન વેચતા હતા. તેમનું કામ એટલું ચોક્કસ હતું કે કોઈને પણ આ દારૂ બનાવટી હોવાની ખબર પડતી નહોતી. ઓનલાઈન દારૂ ખરીદનારા લોકોમાં બોલીવુડના કલાકાર, હાઈ પ્રોફાઈલ સેલિબ્રિટીઝ અને અન્ય બિઝનેસમેન પણ સામેલ હતા.
આ ગેંગના લોકો સોશ્યલ મીડિયા પરથી જ ઓર્ડર લેતા હતા, જેથી તેમના વોટ્સએપ ઈન્સ્ટાગ્રામની ચેટના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. એકસાઈઝ વિભાગ ભવિષ્યમાં હાઈ-પ્રોફાઈલ લોકોને પણ પૂછપરછ માટે બોલાવી શકે છે. રાજ્યના એક્સાઈઝ વિભાગની ટીમે થાણે અને કલ્યાણના જુદા-જુદા સ્થાળોએ ઈન્સપેક્ટર અને સબ ઈન્સપેક્ટર રેંકના 40 અધિકારી સહિત 100થી વધુ કર્મચારીઓની ટીમે અહીં કાર્યવાહી કરી હતી.