એકનાથ શિંદેની એક્ઝિટથી યુવાનો માટે જગ્યા થઈ: અંબાદાસ દાનવે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એકનાથ શિંદેના બળવાને કારણે શિવસેના (યુબીટી)માં નવા નેતૃત્વ માટે જગ્યા થઈ હતી અને તેને કારણે નવા વિચારો સાથેના યુવાનો આકર્ષિત થઈ રહ્યા છે અને તેનો ફાયદો આખરે પાર્ટીને થશે એમ શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેએ શુક્રવારે છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ)માં કહ્યું હતું.
શિવસેનામાં જૂન-2022માં ભંગાણ પડ્યું હતું. શિંદેએ ત્યારના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો અને ભાજપની સાથે રાજ્યમાં સરકાર બનાવી હતી. રાજ્યમાં વિધાન પરિષદમાં વિપક્ષી નેતા અંબાદાસ દાનવેએ કહ્યું હતું કે મેં પશ્ચિમ કોંકણથી લઈને પૂર્વમાં વિદર્ભના મોટા ભાગના વિસ્તારોમાં પ્રવાસ કર્યો છે. એકનાથ શિંદેના બળવાને કારણે પક્ષમાં જગ્યા થઈ હતી. જેના કારણે નવા નવા વિચારો ધરાવતા યુવાનો અત્યારે પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અમારી પાર્ટીએ ભૂતકાળ પાછળ મૂકી દીધો છે અને હવે ગતિશીલ બની ગઈ છે.
આપણ વાંચો: મહાયુતિમાં મનસેનું આગમન: એડવાન્ટેજ એકનાથ શિંદે
આનાથી લોકસભાની ચૂંટણીમાં ચોક્કસ ફરક પડશે. વધુમાં પાર્ટીની કેડર હજી પણ ઉદ્ધવ ઠાકરેની સાથે જ છે, એમ તેમણે કહ્યું હતું.
બેઠકોની વહેંચણી અંગે બોલતાં દાનવેએ કહ્યું હતું કે આ પ્રક્રિયા જરાય સરળ નહોતી કેમ કે દરેક પક્ષને પોતાનો વ્યાપ વધારવો હોય છે. દાનવેએ આનંદ વ્યક્ત કર્યો હતો કે શિવસેના (યુબીટી) મહાવિકાસ આઘાડીમાં સૌથી વધુ 21 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.
દાનવેએ એમ પણ કહ્યું હતું કે ઔરંગાબાદ લોકસભાની બેઠક અવિભાજિત શિવસેનાનો ગઢ હતો અને તે શિવસેના (યુબીટી)ની મુઠીમાં છે. એઆઈએમઆઈએમના સંસદસભ્ય ઈમ્તિયાઝ જલીલ અકસ્માત સંસદપટુ છે અને તેમના એકેય આંદોલનની જમીન પર અસર જોવા મળી નથી. જલીલ એટલા માટે જીતી ગયા હતા કેમ કે તેમને પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડીનો ટેકો મળ્યો હતો. આ વખતે વંચિત અલગથી લડી રહી છે.