સલમાન ખાન ફાયરિંગ કેસમાં દયા નાયકની એન્ટ્રી, રિવોલ્વર શોધવા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકની એન્ટ્રી થઈ છે. આ ઘટનામાં વપરાયેલી બંદૂકને શોધવા માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ સુરત પહોંચી છે. ગુજરાતના કચ્છમાંથી ઝડપાયેલા બંને શૂટરોએ તાપી નદીમાં બંદૂક ફેંકી હોવાની કબૂલાત કરી હતી. સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં પોલીસે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની સાથે બે શૂટર્સને પણ આરોપી બનાવ્યા છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પૂરી તૈયારી સાથે આવી ગઈ છે. તાપી નદીમાં બંદૂકની શોધખોળમાં સમય લાગે તેવી મનાય છે. સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરનારા શૂટરોએ કહ્યું હતું કે, મુંબઈથી કચ્છ આવતી વખતે તેઓએ સુરતની તાપી નદીમાં બંદૂક ફેંકી હતી.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ કરી રહ્યા છે, જે હાલ સુરત પહોંચ્યા છે. તેમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકનો પણ સમાવેશ થાય છે. 17 એપ્રિલે ગુજરાતની કચ્છ પોલીસે આશાપુરા માતાના મંદિરમાંથી વિકી ગુપ્તા (24) અને સાગર પાલ (21)ની ધરપકડ કરીને મુંબઈ પોલીસને સોંપ્યા હતા.
આપણ વાંચો: સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસઃપોલીસ હવે લોરેન્સ બિશ્નોઇની કરશે પૂછપરછ
મુંબઈ પોલીસે બંને શૂટરોને 10 દિવસના રિમાન્ડ પર લીધા છે. સુરતમાં શૂટરો પાસેથી મળેલી માહિતીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ સર્ચ ઓપરેશન હાથ ધરશે. સર્ચ ઓપરેશન માટે નિષ્ણાતોની ટીમ પણ ક્રાઈમ બ્રાન્ચ સાથે જ છે.
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને શૂટરોએ રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મુંબઈથી સુરત પહોંચ્યા બાદ જ્યારે તે તાપી નદીના પુલ પર પહોંચ્યા ત્યારે તેમણે તેને નદીમાં ફેંકી દીધી હતી. આ પછી શૂટરો બસ દ્વારા કચ્છ જિલ્લાના ભુજ પહોંચ્યા હતા, જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.