પીએમ મોદી મુદ્દે વિવાદાસ્પદ ટિપ્પણીઃ એકનાથ શિંદેએ રાઉતની કાઢી ઝાટકણી
મુંબઈ: મહારાષ્ટ્રમાં ચૂંટણી ને લઈ સત્તાધારી સરકાર એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર જૂથ વિરોધી પાર્ટીઓની દરેક મુદ્દે ટીકા કરી રહી છે ત્યારે આજે એકનાથ શિંદેએ ઠાકરે જૂથના સાંસદની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણી મુદ્દે જોરદાર ઝાટકણી કાઢી હતી.
પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા ઠાકરે જૂથના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઔરંગઝેબ સાથે સરખાવતું નિવેદન આપ્યું હતું. આ મુદ્દે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગુરુવારે વિપક્ષ ઉપર વરસ્યા હતા. તેમણે ઉદ્ધવ ઠાકરેની શિવસેના ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે વડા પ્રધાનને ઔરંગઝેબ કહેવા તે દેશદ્રોહ ગણાય.
આપણ વાંચો: અયોઘ્યા મુદ્દે પીએમ મોદીએ કેબિનેટનાં તમામ પ્રધાનોને આપી મોટી સલાહ
હાલમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે ઔરંગઝેબનો જન્મ નરેન્દ્ર મોદીના નજીકમાં જ થયો હતો એટલે તેમના વિચારો પણ ઔરંગઝેબ જેવા જ છે. રાઉતના આ નિવેદનથી મોટો રાજકીય હોબાળો મચ્યો હતો અને સત્તાધારી પક્ષ દ્વારા તેમના નિવેદનને વખોડવામાં આવ્યું હતું.
હવે રાજાનો દીકરો રાજા નહીં બને: શિંદે
બાળાસાહેબ અને ઉદ્ધવ ઠાકરેની સરખામણી કરતા શિંદેએ કહ્યું હતું કે બાળાસાહેબ પોતાના સહકારીઓને પોતાના મિત્ર સમજતા હતા, પરંતુ ઉદ્ધવ ઠાકરે પોતાના સહકારીઓ સાથે ઘરનોકર જેવું વર્તન કરતા. પણ હવેથી આ સહન કરવામાં નહીં આવે. હવે રાજાનો દીકરો રાજા નહીં બને, અબ જો કામ કરેગા વહીં રાજા બનેગા, એવા શબ્દોમાં શિંદેએ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી.
આપણ વાંચો: મોદીની ચાઈનીઝ ગેરંટીઃ કૉંગ્રેસના નેતાએ પીએમ મોદી પર કર્યો આક્ષેપોનો મારો
સાળાને ઇડીની નોટીસ મળી તો કોણ દિલ્હી દોડ્યું?
ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા વારંવાર એકનાથ શિંદેને ‘દિલ્હીશ્વર’ સામે માથું ઝૂકવવું પડતું હોવાની ટીકા કરવામાં આવતી હોય છે. તેનો જવાબ આપતા શિંદેએ કહ્યું હતું કે જ્યારે સાળાને ઇડીની નોટીસ મળી ત્યારે કોણ દિલ્હી ભાગ્યું હતું? પોતાના કુટુંબ ઉપર સંકટ આવતા અહીં ત્યાં દોડનારા ક્યારેય પોતાના કાર્યકર્તાઓ માટે નથી દોડ્યા.
હિંદુત્ત્વના મુદ્દે ઉદ્ધવ ઉપર ટીકા કરતા શિંદેએ કહ્યું હતું કે શિવતીર્થ ઉપર ઉદ્ધવને બોલવા માટે ફક્ત પાંચ મીનિટ આપવામાં આવી અને તેમાં તેમણે બાળાસાહેબના નામનો ઉલ્લેખ ન કર્યો. બાળાસાહેબનું કાશ્મીરમાંથી 370 કલમ હટાવવાનું સપનું વડા પ્રધાન મોદીએ પૂરું કર્યું અને તેમનું સપનું પૂરું કરનારાને તમે ઔરંગઝેબ કહો છો. ઔરંગઝેબે પોતાના પિતાને ન છોડ્યા, પોતાના ભાઇને ન છોડ્યો અને તેના જેવી વૃત્તિ કોણ ધરાવે છે તે બધા જ જાણે છે, એવી ટીકા શિંદેએ કરી હતી.