કાંદા પછી લસણના વધતા ભાવ રડાવશે, જાણી લો કિલોના ભાવ?
મુંબઈ: ગૃહિણીના રસોડાના મહત્ત્વના ગણાતા કાંદા, લસણ અને ટામેટાંના સરેરાશ દરમાં છેલ્લા એક અઠવાડિયામાં ઘણો ફેરફાર થયો છે. કાંદા અને લસણના ભાવમાં વધારો થયો છે, જ્યારે ટામેટાંના ભાવ ગબડ્યા છે.
લસણના ભાવ રિટેલ માર્કેટમાં પ્રતિ કિલોએ રૂ. ૪૦૦ પર પહોંચી ગયા છે. આ વર્ષે બીજી વખત લસણના દર રૂ. ૪૦૦ સુધી પહોંચ્યા છે. ગયા વર્ષથી લસણના ભાવમાં વધારો થયો છે, કારણ કે તે સમયે તેનો પાક ઓછો લેવામાં આવ્યો હતો. માગણી કરતા ફક્ત ૬૦ ટકા લસણ બજારમાં આવી રહ્યા છે.
પહેલા બજારમાં રોજ લસણની આઠથી દસ ટ્રક આવતી હતી, પણ હવે ફક્ત બેથી ત્રણ ટ્રક જ આવી રહી છે, જેમાં વધતા લસણના ભાવથી વેપારીઓની સાથે હોટેલ રેસ્ટોરાંવાળા લોકો પરેશાન છે.
આ પણ વાંચો: હવે ભારત-કેનેડાના વણસેલા સંબંધોની અસર તમારા રસોડા પર પણ પડશે
દરમિયાન કાંદાના વેપારીએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં કાંદાના ભાવ વધશે કે નહીં તે બધુ વરસાદ પર નિર્ભર કરે છે. જો ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરમાં વરસાદનું જોર વધુ રહેશે તો કાંદાના ભાવ વધી શકે છે, પરંતુ હાલમાં એવા કોઇ સંકેત દેખાતા નથી. હાલમાં જોરદાર વરસાદને કારણે બજારમાં કાંદાની આવક ઓછી થઇ રહી છે, પણ હવે સ્થિતિ કંટ્રોલમાં છે.
આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં કાંદાનો સારો પાક થયો છે. ત્યાંથી થોડા દિવસમાં બજારમાં કાંદા આવી શકે છે. જો ત્યાંથી કાંદા આવી ગયા તો તેના ભાવ ફરી નિયંત્રણમાં આવી જશે. તેથી કાંદાના દર ફરી પ્રતિ કિલોએ રૂ. ૧૦૦ સુધી પહોંચવાની શક્યતા નહીંવત્ છે. તેમછતાં બધુ વરસાદ પર નિર્ભર છે.
લાસલગાંવ એપીએમસીમાં કાંદાના ભાવમાં એક અઠવાડિયામાં ૨૧ ટકાનો વધારો થયો છે, જ્યારે પિંપળગાંવ એપીએમસીમાં ટામેટાંના દરમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે લસણના ભાવ રિટેલ બજારમાં પ્રતિ કિલોએ રૂ. ૪૦૦ થઇ ગયા છે. ઘરેલુ બજારમાં કાંદાનો પુરવઠો ઓછો અને તેની માગણી વધુ છે તેથી કાંદાના દરમાં વધારો થયો છે, જ્યારે ટામેટાંનો પુરવઠો વધુ થવાને કારણે તેના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
લાસલગાંવમાં ત્રીજી ઓગસ્ટે કાંદાના પ્રતિ ક્વિન્ટલે દર રૂ. ૨,૭૨૫ હતા, જ્યારે ૧૦મી ઓગસ્ટ સુધી આ દર રૂ. ૩,૩૦૦ સુધી પહોંચી ગયા હતા. માર્કેટમાં કાંદાની આવક ઘટીને પ્રતિ દિને ૯,૦૦૦ ક્વિન્ટલ થઇ ગઇ છે. ઘણા ખેડૂતો વરસાદને કારણે કાંદાને મંડીમાં લાવી નથી રહ્યા. બીજી તરફ કાંદાની માગણી ઘરેલું અને નિકાસ બજારમાં વધી છે.
કાંદાના અન્ય એક વેપારીએ જણાવ્યું હતું કે શ્રીલંકામાં કાંદાની માગણી વધી છે જ્યારે ઘરેલુ બજારમાં પણ તેની વધુ માગ છે. પિંપળગાંવ એપીએમસીમાં ટામેટાંના દર ત્રીજી ઓગસ્ટે પ્રતિ ક્રેટ (૨૦ કિલો) રૂ. ૪૬૧ હતા, જ્યારે ૧૦મી ઓગસ્ટે ભાવ ધટીને પ્રતિ ક્રેટ રૂ. ૩૫૦ થયા હતા. છેલ્લા એક અઠવાડિયામાં ટામેટાંની આવક ત્રણ ગણી વધી છે ત્રીજી ઓગસ્ટે બજારમાં ૮,૦૦૦ ક્રેટ દાખલ થયા હતા જ્યારે આઠમી ઓગસ્ટે ૨૪,૦૦૦ ક્રેટની આવક થઇ હતી.