બીજા તબક્કામાં મહારાષ્ટ્રમાં 59.63 ટકા મતદાન
સૌથી વધુ 62.69 ટકા મતદાન વર્ધામાં નોંધાયું
મુંબઈ: ચૂંટણી પંચ દ્વારા લોકોમાં મતદારોમાં જાગરૂકતા વધારવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોવા છતાં મતદાન કરનારા મતદારોની સંખ્યા આશા કરતાં ઓછી હોવાનું હાલમાં જાહેર કરવામાં આવેલા આંકડાઓ પરથી જણાય છે.
લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં મહારાષ્ટ્રની આઠ લોકસભા બેઠક માટે મતદાન યોજવામાં આવ્યું હતું, જેમાં કુલ સરેરાશ મતદાન 59.63 ટકા નોંધાયું હોવાના સુધારીત આંકડા પ્રાપ્ત થયા હતા. બીજા તબક્કાના મતદાન દરમિયાન મહારાષ્ટ્રમાં સૌથી વધુ મતદાન વર્ધા બેઠક પર 62.69 ટકા નોંધવામાં આવ્યું હતું.
આપણ વાંચો: મહારાષ્ટ્રનાં મતદાન કેન્દ્ર પર મતદારોને હાલાકી મતદાન અટકાવી અધિકારીઓ નાસ્તો કરવા બેઠા
આ ઉપરાંત અકોલામાં 58.09 ટકા, અમરાવતીમાં 60.74 ટકા, બુલઢાણામાં 58.45 ટકા, હિંગોળીમાં 60.79 ટકા, નાંદેડમાં 59.57 ટકા, પરભણીમાં 60.09 ટકા જ્યારે યવતમાળ-વાશીમમાં 57 ટકા મતદાન નોંધવામાં આવ્યું હતું.
બીજા તબક્કાના મતદાનમાં મહારાષ્ટ્રની આઠ લોકસભા બેઠકો પરથી કુલ 204 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા, જેમની માટે મતદાન યોજવામાં આવ્યું હતું. 16,589 મતદાન કેન્દ્રોમાં કુલ 1.49 કરોડ મતદારોની નોંધણી કરવામાં આવી હતી, જેમાંના 59.63 ટકા મતદારોએ જ પોતાના મત આપવાની ફરજનું પાલન કર્યું હતું. આ પૂર્વે 19 એપ્રિલના રોજ યોજવામાં આવેલા મતદાન દરમિયાન મહારાષ્ટ્રની પાંચ બેઠકો પર 63.70 ટકા મતદાન નોંધવામાં આવ્યું હતું.