બોરીવલીમાં મહિલા સાથે બાવન લાખની છેતરપિંડી: જ્યોતિષ સહિત છ સામે ગુનો
મુંબઈ: પુત્રની સુખાકારી અને વ્યવસાયમાં બરકતની ખાતરી આપી મહિલા પાસેથી બાવન લાખ રૂપિયા કથિત રીતે પડાવી છેતરપિંડી કરવા પ્રકરણે બોરીવલી પોલીસે જ્યોતિષ અને તેના પાંચ સાથી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. વિવિધ સમસ્યાઓનો ભય દેખાડી આરોપીએ છ વર્ષ દરમિયાન અંદાજે 23 તોલા સોનાના દાગીના ગિરવી મુકાવી તેનું વ્યાજ ભરવા ફરિયાદીને દબાણ કરાયું હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કરાયો હતો.
બોરીવલી પશ્ર્ચિમના શિંપાલી ખાતે રહેતી ફરિયાદી ગીતા પંડિત જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરવા ઈગતપુરી ગઈ ત્યારે 2019માં તેની ઓળખાણ આરોપી જ્યોતિષ વિજય જોશી સાથે થઈ હતી. તે સમયે સુભાષ બ્રિદ નામની વ્યક્તિએ ફરિયાદીને કહ્યું હતું કે જોશી જાણીતા જ્યોતિષ છે. તે બાળકોના જન્મ પૂર્વે તેમનું ભવિષ્ય કહી શકે છે અને નાણાકીય તેમ જ અંગત સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે.
આપણ વાંચો: વર્લ્ડકપ કોણ જીતશે? જાણીતા જ્યોતિષીએ કરી આગાહી અને જણાવ્યું વિજેતા ટીમનું નામ…
ફરિયાદમાં જણાવાયું હતું કે પછીથી મહિલાની ઓળખાણ બોરીવલીના એક મંદિરમાં રચના દળવી, નીલેશ માને, કિશોર તાવડે, રુચિતા ચવ્હાણ અને પ્રથમેશ મયેકર સાથે થઈ હતી. 2021માં જોશીએ મહિલાના પુત્રને નવી મુંબઈની એક હોટેલમાં ભાગીદાર બનવાનું અને 2.5 લાખ રૂપિયાનું રોકાણ કરવા કહ્યું હતું. એ હોટેલમાં હૈદરાબાદનો વેપારી મોટો રોકાણકાર હતો.
પછીથી વિવિધ કારણો રજૂ કરી આરોપીઓએ સમયાંતરે મહિલા પાસેથી 52 લાખ રૂપિયા પડાવ્યા હતા.
એ સિવાય અંદાજે 23 તોલા સોનાના દાગીના ફરિયાદી પાસેથી લઈને આરોપીએ ફાઈનાન્સ કંપનીમાં ગિરવી મૂક્યા હતા. દાગીના પરની લોનની રકમ ભરવા ફરિયાદી પર દબાણ કરવામાં આવ્યું હતું. આખરે પોતે છેતરાઈ હોવાની જાણ થતાં મહિલાએ બોરીવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.