મેટિની

હમ સે આયા ના ગયા, તુમસે બુલાયા ના ગયા

દોઢ ફૂટના અંતરે સન્મુખ બેઠેલા પ્રેમીઓના અંતર વચ્ચેનું અંતર દોઢસો જોજન જેટલું હોવાની લાગણી તલત મેહમૂદના કંપનભર્યા સ્વરમાં આબાદ વ્યક્ત થાય છે

હેન્રી શાસ્ત્રી

મહિલા દિન નિમિત્તેની વિશેષ પૂર્તિ હોવાથી બાકી રહેલો તલત મેહમૂદ – સંગીતકાર જુગલબંધીનો ત્રીજો અને અંતિમ મણકો આજે પેશ છે. તલત મેહમુદના એકલગીત સાથે યુગલગીત પણ ખાસ્સા લોકપ્રિયતાને વર્યા છે. ગઝલ અને દર્દભર્યાં ગીતોમાં એમનો જોટો જડવો મુશ્કેલ હતો. ‘જાએ તો જાએ કહાં’ હોય કે પછી ‘ઝિંદગી દેનેવાલે સૂન’ હોય અને ‘અંધે જહાં કે અંધે રાસ્તે’ હોય તલત સાબ અવ્વલ સાબિત થાય છે. સંગીત દિગ્દર્શકોએ લતા મંગેશકર, આશા ભોસલે અને સુરૈયા સાથે તલતજીના તૈયાર કરેલા યુગલગીત આજે પણ સંગીત પ્રેમીઓ નથી વીસર્યા. કમર જલાલાબાદી – હંસરાજ બહલની જોડીનું ‘રાજધાની’ ફિલ્મનું ‘ભૂલ જા સપને સુહાને ભૂલ જા’ (તલત – લતા) ઓછું જાણીતું છે પણ દર્દભર્યા ગીતને તલતજી કેવું ભાવવાહી બનાવી દે છે એનો આ ગીત પુરાવો છે. સુરૈયા સાથેનું યુગલગીત ‘રાહી મતવાલે’ રજૂ ન થાય ત્યાં સુધી સંગીત પાર્ટી પૂરી ન થાય એવો રિવાજ બની ગયો હતો. પેશ છે અન્ય સંગીતકારો સાથેના તલત મેહમૂદના ક્યારેય ન ભુલાય એવાં ગીતોની નાનકડી સફર.

સંગીતકાર મદનમોહન
‘હમ સે આયા ન ગયા તુમસે બુલાયા ના ગયા’ (દેખ કબીરા રોયા), ‘યે નયી નયી પ્રીત હૈ, તૂ હી તો મેરા મીત હૈ’ (પોકેટમાર – લતા દીદી સાથે યુગલગીત), ‘મેરી યાદ મેં તુમ ના આંસુ બહાના, ના જી કો જલાના, મુજે ભૂલ જાના’ (મદહોશ), ‘મેરા કરાર લે જા, મુજે બેકરાર કર જા, દમ ભર તો પ્યાર કર જા’ (આશિયાના)… હિન્દી ફિલ્મ સંગીતના ગઝલના બે દાદા લોકોની ચીર સ્મરણીય પેશકશ છે. એમાંય ‘દેખ કબીરા રોયા’માં અનુપ કુમાર અને શુભા ખોટે પર પિક્ચરાઈઝ થયેલા ‘હમસે આયા ના ગયા, તુમસે બુલાયા ના ગયા, ફાસલા પ્યાર મેં દોનોં સે મિટાયા ના ગયા’ ગીતમાં તલતસાબનાં સ્વર દોઢ ફૂટના અંતરે સન્મુખ બેઠેલા પ્રેમીઓ વચ્ચે જાણે દોઢસો જોજન જેટલા અંતરની પીડાનો અનુભવ કરાવે છે. સોને પે સુહાગા જેવી ગઝલના બે ગુણીજનની આ કમાલ છે. આ અફલાતૂન જોડીએ પંદરેક ફિલ્મમાં જોડી જમાવી પ્રેમ – વિરહના રસાયણથી આપણને મુગ્ધ કર્યા છે. મદનમોહન – તલતજીની અંતિમ ફિલ્મ હતી અભિનેતા ઓમ પ્રકાશ નિર્મિત ‘જહાં આરા’ જેમાં તલત મેહમૂદના ત્રણ એકલ અને એક યુગલ ગીત છે. મોહમ્મદ રફીના બે જ ગીત (એક એકલ અને એક યુગલ) છે જેના પરથી તલતજીના આધિપત્યનો ખ્યાલ આવે છે. ‘ફિર વોહી શામ વોહી ગમ વોહી તન્હાઈ હૈ, દિલ કો સમજાને તેરી યાદ ચલી આઈ હૈ’ ગીત કાને પડતા જ સ્મૃતિઓના દાબડા ફટાફટ ખૂલી એની ખુશ્બુથી ચિત્ત તરબતર થઈ જાય.

સંગીતકાર ખૈયામ
પહેલી ચાર ફિલ્મ ‘હીર રાંઝા’, ‘પર્દા’, ‘બીવી’, ‘પ્યાર કી બાતેં’માં શર્માજી નામથી સંગીત રચના કર્યા પછી સંગીતકારે ખૈયામ (મોહમ્મદ ઝહૂર ખૈયામ હાશ્મી) નામથી પહેલી વાર ફિલ્મ ‘ફૂટપાથ’ (૧૯૫૩) માટે સ્વર રચના કરી. એ સમયે દિલીપ કુમાર માટે તલતજીનું ગળું એવું સમીકરણ બની ગયું હતું. એટલે નવાસવા ખૈયામ માટે તલતજી પાસે ગીત ગવડાવવું બહુ આસાન કામ હતું અને આપણને એક ક્યારેય ન વિસરાય એવું ગજબનાક ગીત ‘શામ – એ – ગમ કી કસમ, આજ ગમગીં હૈ હમ, આ ભી જા આ ભી જા આજ મેરે સનમ’ મળ્યું. આ ગીતની અમાપ લોકપ્રિયતાએ ખૈયામ સાહેબની કારકિર્દીને દોડવા માટે ઢોળાવ તૈયાર કરી આપ્યો. તલત સાબ – ખૈયામ સાબની એક નોન ફિલ્મી ગઝલ પણ કર્ણપ્રિય છે. જાં નિસાર અખ્તર લિખિત ‘કૌન કેહતા હૈ તુજે મૈંને ભૂલા રખા હૈ, તેરી યાદોં કો કલેજે સે લગા રખા હૈ’ સાંભળશો તો તલતજી માટે જ સ્વર રચના થઈ હોવાનો ખ્યાલ આવશે.

સંગીતકાર સલિલ ચૌધરી
લોકસંગીતને પ્રાધાન્ય આપનારા મધુર સંગીતના સ્વરકાર સલિલ ચૌધરીની રચનાઓમાં કિશોર કુમાર કે મોહમ્મદ રફીની હાજરી ઓછી જ્યારે તલત મેહમૂદ અને મુકેશના ઘણાં ગીત સાંભળવા મળે. સંગીતનું અસાધારણ જ્ઞાન ધરાવનારા રાજુ ભારતને એક વાર જણાવ્યું હતું કે તલત મેહમૂદ માટે સલિલદાને ખૂબ લગાવ હતો અને એ તેમના પ્રિય સંગીતકાર હતા. સૌથી પહેલા તો લતા દીદી સાથેના યુગલ ગીત હોઠ પર રમવા લાગે. ‘આહ રીમઝીમ કે યે પ્યારે પ્યારે ગીત લિએ’ (ઉસને કહા થા – ૧૯૬૦) અને ‘ઇતના ના મુજસે તુ પ્યાર બઢા કે મૈં એક બાદલ આવારા’ (છાયા – ૧૯૬૧) આજની તારીખમાં પણ સાંભળશો તો રોમેન્ટિક બની જશો. આ તલત મેહમુદની ગેરંટી છે. તલતસાબ પડદા પર પણ નજરે પડ્યા હોય એવુંય એક દર્દભર્યું ગીત ‘રાત ને ક્યા ક્યા ખ્વાબ દિખાએ’ (એ ગાંવ કી કહાની – ૧૯૫૭) પણ યાદગાર ગીત છે.

સંગીતકાર શંકર – જયકિશન
શંકર જયકિશને તલત મેહમૂદ પાસે ઓછા ગીત ગવડાવ્યાં છે, પણ એસજેનો સિતારો મધ્યાહ્ને હતો એ ૧૯૫૦ના દાયકામાં મખમલી અવાજમાં સ્વરબદ્ધ થયેલાં ગીતો અવિસ્મરણીય છે. દિલીપ કુમારની ‘દાગ’ (૧૯૫૨)માં ત્રણ ગીત જેમાંનું ‘અય મેરે દિલ કહીં ઔર ચલ, ગમ કી દુનિયા સે દિલ ભર ગયા, ઢૂંઢ લે અબ કોઈ ઘર નયા’ આજે પણ લોકોના હૈયે અને હોઠે સચવાયું છે. ત્યારબાદ એસજેએ ‘પતિતા’ (૧૯૫૩)માં તલતજી પાસે ‘હૈ સબસે મધુર વો ગીત’ અને ‘અંધે જહાં કે અંધે રાસ્તે’ પાસે સ્વરબદ્ધ કરાવ્યા જે ૧૯૫૦ – ૬૦ના હિન્દી ફિલ્મ સંગીતના શોખીનોને જરૂર યાદ હશે. આ જોડીની ‘શિકસ્ત’ (૧૯૫૩) ની ખાસ વાત એ છે કે તલત મેહમૂદ અને મોહમ્મદ રફી એમ બંનેએ એક જ ફિલ્મમાં દિલીપ કુમારને પ્લેબેક આપ્યું હોય એવી આ એકમાત્ર ફિલ્મ છે. તલતજીના બે સોલો અને એક ડ્યુએટ છે. અલબત્ત આજે એ ભુલાઈ ગયા છે. રાજ કપૂરની ‘બૂટ પોલિશ’માં ‘ચલી કૌન સે દેસ, ગુજરિયા તૂ સજ ધજ કે’ તલતસાબનું યાદગાર ગીત છે અને એનું પિક્ચરાઈઝેશન ગીતકાર શૈલેન્દ્ર પર કરવામાં આવ્યું છે. ‘એક ફૂલ ચાર કાંટે’નું તલત – લતાનું ડ્યુએટ ‘દિલ અય દિલ બહારોં સે મિલ’ બડુ મજેદાર છે. યુ ટ્યુબ પર વડીલો જોશે તો યુવાનીમાં વાઈફ સાથે દરિયા કિનારે આ ગીત કેમ ગણગણ્યું નહીં એનો અફસોસ ચોક્કસ થશે. ૧૯૬૧નું ચિત્રપટ ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’માં તલત મેહમૂદના બે યુગલ ગીત અને એક એકલ ગીત હતું જેમાંથી ‘તુમ તો દિલ કે તાર છેડકર’ આજે પણ સંગીત રસિકો ગણગણતા હશે, પણ ફિલ્મ સુપર ફ્લોપ થયા પછી શંકર – જયકિશને ગાયક તરફથી પીઠ ફેરવી લીધી અને મોહમ્મદ રફીને પ્રાધાન્ય આપ્યું.

સંગીતકાર સી. અર્જુન
‘મૈં તો આરતી ઉતારું રે સંતોષી માતા કી’ના સંગીતકાર તરીકે વધુ જાણીતા સી. અર્જુનની કેટલીક રચના આરતી ગીતની લોકપ્રિયતામાં વિસરાઈ ગઈ છે. એટલે જ કદાચ ‘સુશીલા’ ફિલ્મનું રફી – તલતનું યુગલગીત ‘ગમ કી અંધેરી રાત મેં દિલ કો ના બેકરાર કર’ (ગીતકાર જાં નિસાર અખ્તર) સ્મરણમાં નથી રહ્યું. સાંભળશો તો ખ્યાલ આવશે કે તલત સાબ આ ગીતમાં રફી સાબ સામે વેંત ઊંચા લાગે છે ૧૯૬૫ની નાના બજેટમાં બનેલી ‘એક સાલ પેહલે’ના આશા ભોસલે સાથેનું ડ્યુએટ ‘નઝર ઉઠા કે યે રંગીન સમાં રહે ના રહે, કરીબ આ કે યે મૌસમ જવાં રહે ના રહે’ એની મજેદાર ધૂનને કારણે કર્ણપ્રિય બન્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાઈફલ ચલાવવામાં પાવરધો છે ચીનનો આ ‘Dog’, શ્વાસ લીધા વિના જ… અભિનેત્રીઓ પણ ચેઇન સ્મોકર છે SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ