ગૌરી લંકેશ હત્યા કેસના આરોપીનો વિજય

જાલના: 2017માં પત્રકાર – કાર્યકર્તા ગૌરી લંકેશની હત્યાના આરોપી શ્રીકાંત પાંગારકર આજે મહારાષ્ટ્રના જાલના મહાનગરપાલિકામાં નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યા હતા. પાંગારકર વોર્ડ નં. 13માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.
તેમણે ભાજપના રાવસાહેબ ઢોબળેને હરાવ્યા હતા મતદાન અધિકારીએ આપેલી માહિતી અનુસાર પાંગારકરને બે હજાર 661 મત મળ્યા હતા, જ્યારે ઢોબળેને 2 હજાર 477 મત મળ્યા હતા. શિવસેના સિવાય, લગભગ તમામ મુખ્ય રાજકીય પક્ષોએ પાંગારકર સામે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.
ગૌરી લંકેશની 5 સપ્ટેમ્બર, 2017ના દિવસે બેંગલુરુમાં તેમના નિવાસસ્થાનની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઓગસ્ટ 2018માં, મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડીએ વિસ્ફોટકો અધિનિયમ, વિસ્ફોટક પદાર્થો અધિનિયમ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ પાંગારકરની ધરપકડ કરી. ચોથી સપ્ટેમ્બર, 2024ના દિવસે કર્ણાટક હાઈ કોર્ટે પાંગારકરને જામીન આપ્યા હતા.
(પીટીઆઈ)



