બાંગ્લાદેશમાં ખેલાડીઓએ બહિષ્કાર પાછો ખેંચ્યો, પણ મોતની ધમકીઓ કોને મળી?

ઢાકાઃ બાંગ્લાદેશમાં ક્રિકેટરોએ પોતાના જ ક્રિકેટ બોર્ડના ડિરેકટર એમ. નજમુલ ઇસ્લામની અપમાનજનક ટિપ્પણીને કારણે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)નો જે બહિષ્કાર કર્યો હતો એ હવે તેમણે પાછો ખેંચી લીધો છે, પરંતુ આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે જેમાં દેશના ક્રિકેટરોના કલ્યાણાર્થે સ્થપાયેલા સંગઠનના પ્રમુખ મોહમ્મદ મિથુને (MOHAMMED MITHUN)કહ્યું છે કે ખેલાડીઓની પડખે રહેવા બદલ તેમને (મિથુનને) તેમ જ કેટલાક ખેલાડીઓને મોતની ધમકીઓ મળી રહી છે.
નજમુલ ઇસ્લામે એવી કમેન્ટ કરી હતી કે ` જો બાંગ્લાદેશ આવતા મહિને ભારત-શ્રીલંકામાં રમાનારા ટી-20 વર્લ્ડ કપમાં ન રમવાનો નિર્ણય લેશે તો બાંગ્લાદેશના ખેલાડીઓને કોઈ પણ પ્રકારનું વળતર ન મળવું જોઈએ (તેઓ એ વળતરને લાયક નથી), કારણકે તેમણે ક્રિકેટ બોર્ડને વર્લ્ડ કપને લગતા અભિગમ બદલ પૂરતું સમર્થન આપ્યું જ નથી. ઊલટાનું, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ ખેલાડીઓ પાસેથી રિફન્ડ માગવું જોઈએ, કારણકે આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટોમાં તેમનો પર્ફોર્મન્સ નબળો રહ્યો છે. તેઓ એક પણ આઇસીસી ઇવેન્ટ નથી જીતી શક્યા.’
બીસીબી (BCB)એ નજમુલને બોર્ડની નાણાકીય સમિતિના અધ્યક્ષસ્થાનેથી હટાવી દીધા એ સહિતના કેટલાક નિર્ણયો લેવાતાં ખેલાડીઓના સંગઠને બીસીબી સાથે સર્વસંમતિ સાધી લીધી હતી અને ખેલાડીઓએ બૉયકૉટ પાછો ખેંચી લેતાં બીપીએલ ફરી શરૂ થઈ શકી હતી.
બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા થઈ રહી હોવાથી આઇપીએલમાંથી પેસ બોલર મુસ્તફિઝુર રહમાનની (કેકેઆરની ટીમમાંથી) હકાલપટ્ટી કરાઈ એને પગલે બીસીબીએ જાહેરાત કરી કે એના ખેલાડીઓ ફેબ્રુઆરીમાં વર્લ્ડ કપ રમવા ભારતનો પ્રવાસ નહીં કરે. જોકે આઇસીસીએ બીસીબીને ભારતમાં રમવાની ફરજ પાડી છે. મોહમ્મદ મિથુને કહ્યું છે કે ` અમારા ખેલાડીઓ ફેબ્રુઆરીનો ટી-20 વર્લ્ડ કપ રમવા માગીએ છીએ, પણ સલામતીને લગતી કોઈ ચિંતા રહે એવા વાતાવરણમાં નહીં. હું ખેલાડીઓની સલામતીને લક્ષમાં રાખીને તેમનો પક્ષ લઉં છું તો શું ખોટું કરું છું? હું તેમના સંગઠનનો પ્રમુખ છું અને તેમનો પક્ષ ન લઉં તો મારા પ્રમુખ હોવાનો શું મતલબ? મને તો શું, કેટલાક ખેલાડીઓને પણ મોતની ધમકી મળી છે.’
આપણ વાંચો: ફિફા કહે છે, આ વર્ષના ફૂટબૉલ વર્લ્ડ કપની ટિકિટો માટે કુલ 50 કરોડ રિક્વેસ્ટ મળી છે…



