પૂછતા હૈ ઈન્ડિયાઃ 15,566 કરોડનો ખર્ચો કર્યા પછી મુંબઈ-ગોવા હાઈ-વેનું કામ હજુ અધૂરું કેમ?
મુંબઈઃ દરેક સરકારે પોતાના કાર્યકાળમાં અમુક પ્રોજેક્ટ શરૂ કર્યા હશે અને પૂરા કર્યા હશે અથવા તો અધૂરા છોડ્યા હશે. આમ છતાં આખા દેશમાં એક એવો પ્રોજેક્ટ છે, જેણે ઘણી સરકારો જોઈ, રાજકીય ઉથલપાથલ જોઈ, આંદોલનો જોયા, નેતાઓના વચનોનો વરસાદ જોયો અને લાખો-કરોડો રૂપિયાનો હિસાબ જોયો, પણ પ્રોજેક્ટ 18 વર્ષથી પૂરો થયો નથી અને એ પ્રોજેક્ટ છે મુંબઈ-ગોવા હાઈ-વે. આ પ્રોજેક્ટ પાછળ 15,566 કરોડનો ખર્ચ કર્યા પછી પણ પ્રોજેક્ટની ગાડી પાટા પર ચઢી નથી.
તાજેતરમાં જ વિધાનસભાના સત્રમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, પરંતુ આ ડાયલૉગ વર્ષોથી જનતા સાંભળી રહી છે.
કેમ રખડી પડ્યો છે આ પ્રોજેક્ટ?
કોઈ બે શહેર કે તાલુકા નહીં પરંતુ બે ખૂબ જ મહત્વના રાજ્યને જોડતો આ પ્રકલ્પ ખૂબ જ મહત્વનો છે અને તે બધા જ જાણે છે, છતાં કેમ રખડી પડ્યો તે સમજવું મુશ્કેલ છે.
આપણ વાંચો: મુંબઈ-ગોવા નેશનલ હાઈવે પર બે બસોનો ભીષણ અકસ્માત, 25 મુસાફરો ઘાયલ
નામ જ જણાવે છે કે આ બે ખૂબ જ મહત્વના શહેરને જોડતો અને બે સમૃદ્ધ રાજ્યને જોડતો એક્સપ્રેસ વે છે. કુલ 503 કિલોમીટરને જોડતા આ માર્ગનું કામ 2011થી શરૂ થયું, પરંતુ તે પહેલા તેને પહોળો કરવાનું કામ 2007થી શરૂ થયું હતું.
અનેક મંજૂરી મળવામાં વિલંબ
આ અંગે અહેવાલો અને સૂત્રોનું માનીએ તો આ માર્ગ પર આવતા અમુક પુલ અને રસ્તાના કામ પણ અધૂરા છે. નાગોથાણે, કોલાડ, પુઈ, માનગાંવના મુખ્ય પુલના કામકાજ અધૂરા છે.
જમીન સંપાદનમાં આવતી અડચણો, આ સાથે કેટલાક કોન્ટ્રાક્ટરો કામ છોડી ચાલ્યા ગયા, કોરોનાકાળ નડ્યો, અમુક મંજૂરીઓ મળવામાં વિલંબ થયો આ બધા કારણો જવાબદાર છે, પરંતુ આટલો વિલંબ સ્વકાર્ય નથી તે સૌ કોઈ માને છે. આ કામ યુદ્ધના ધોરણે થાય તો પણ એક્સપ્રેસ વે 2025ના અંતમાં પૂરો થાય તેમ લાગતું નથી. એકવાર એક્સપ્રે વે શરૂ થશે.
આ હાઈ વે ઘણી રીતે વાહનચાલકોને કામ આવશે, પરંતુ ધંધા-રોજગારમાં પણ મહત્વનો બની રહેશે. આ હાઈ વે આર્થિક રીતે બે રાજ્ય સહિત દેશ માટે અત્યંત આવશ્યક માનવામાં આવે છે. આ સાથે પર્યટનની દૃષ્ટિએ અને કોંકણવાસીઓ માટે તેનું અલગ જ મહત્વ છે.
આપણ વાંચો: મુંબઈ-ગોવા નેશનલ હાઈવે પર પ્રવાસ કરનારાઓ માટે આવ્યા ગુડ ન્યૂઝ
નેશનલ હાઈ-વે ગોવા-કર્ણાટક અને કેરળને જોડે છે
આ હાઇ-વે દરમિયાન ત્રણ જિલ્લા, કેટલાય તાલુકા ને કેટલાક શહેર જોડાયેલા છે. આ હાઇવે NH 66 (નેશનલ હાઇવે 66) માર્ગનો એક ભાગ છે, જે મુંબઈને કોંકણ સાથે ગોવા, કર્ણાટક, કેરળ રાજ્યો સાથે જોડે છે. આ રસ્તો પનવેલથી શરૂ થાય છે અને ગોવાના પણજી થઈને કન્યાકુમારી સુધી જાય છે.
ગણેશોત્સવ વખતે ફક્ત રાજકારણ ગરમાય છે
મુંબઈ-ગોવા હાઈ-વે નેશનલ હાઈ-વે હોવાથી તે કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે. તો આનો કેટલોક હિસ્સો રાજ્યના બાંધકામ વિભાગ હેઠળ પણ આવે છે. એક અહેવાલ મુજબ આ હાઈવે પર 15,566 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે અને હજુ ઘણું કામ બાકી છે.
આપણ વાંચો: નવા વર્ષની મુસાફરીના ધસારાને કારણે મુંબઇ-ગોવા હાઇવે જામ
દરેક ગણેશોત્સવ વખતે કોંકણવાસીઓ આ રસ્તાની ફરિયાદો કરે છે. આ માટે વારંવાર રાજકારણ ગરમાય છે. લોકોની સવલત સાથે આર્થિક રીતે ખૂબ જ મદદરૂપ થનારા આ એક્પ્રેસ વેનું કામ ક્યારે પૂરુ થશે તે કહેવું હાલમાં તો મુશ્કેલ છે.
જો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની વાત માનીએ તો એક્સપ્રેસ વે એકાદ વર્ષમાં બની તૈયાર થઈ શકે તેમ છે. એકવાર આ એક્સપ્રેસ વે બનશે તો રાજ્યની તિજોરીને ઘણો ફાયદો થશે તે વાત નિર્વિવાદ છે, આ સાથે લોકોની આતુરતા અને હાલમાં કામ ચાલી રહ્યું હોવાથી પડતી મુશ્કેલીઓનો અંત આવશે.