મુંબઈ-ગોવા નેશનલ હાઈવે પર પ્રવાસ કરનારાઓ માટે આવ્યા ગુડ ન્યૂઝ
મુંબઈઃ મુંબઈ-ગોવા નેશનલ હાઈવે પર પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે ગુડ ન્યુઝ આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે મુંબઈ-ગોવા નેશનલ હાઈવે પર પરશુરમ ઘાટમાં આવેલા અઘરામાં અઘરા ખડકોને તોડવામાં સફળતા મળી છે. પરિણામે બીજી લેન પણ જેમ બને તેમ જલદી શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામ હાથ ધરવામાં આવ્યું છે. પરશુરામ ઘાટમાં આવેલા આ અઘરામાં અઘરા ખડકોને તોડવા માટે આશરે નવથી દસ મહિનાનો સમય લાગ્યો હતો. પણ હવે ઘાટમાં આવેલા રસ્તા મોટા કરવાના કામને વેગ મળ્યો છે. ગણેશોત્સવ પહેલાં બીજી લેન શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
પરશુરામ ઘાટની એક લેનનું કામ આ પહેલાં જ પૂરું થઈ ગયું હોવાને કારણે આ ઘાટના વાહનવ્યવહારનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. પહેલાં આ ઘાટને પાર કરવા માટે 20થી 25 મિનીટનો સમય લાગ્યો હતો અને હવે આ સમય ઘટીને 10 મિનીટ થઈ ગયો છે. ચિપલૂણ તાલુકામાં આવેલો આ પરશુરામ ઘાટથી સંગમેશ્વર તાલુકાના આખલી દરમિયાનનું 36 કિલોમીટરના અંતરમાંથી સવા કિલોમીટરનું કોંક્રિટીકરણ કરવાનું બાકી છે. ગણેશોત્સવ પહેલાં આ બાકી રહેલું કામ પણ પૂરું થઈ જતાં ચિપલૂણ હદમાં પ્રવાસ આરામદાયક બની શકે છે.
ખેડ હદમાં આવેલું કલ્યાણ ટોલવેઝ કંપની દ્વારા શરૂ કરવામાં આવેલું આ કામ કલ્યાણ ટોલવેઝ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આ કામ એક અઘરા વળાંક પર આવેલા ખડકને કારણે અટકી પડ્યું હતું. આ સ્થળે 22 મીટરથી વધુ ઊંચી ભેખડનો ભાગ હતો અને આ ઉપરાંત અહીં આવેલા ખડકને તોડવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. આને કારણે કામની સ્પીડ પણ ઘટી ગઈ હતી, પરંતુ આખરે ખડકને તોડવામાં સફળતા મળતાં કોન્ટ્રાક્ટરે પણ રાહતનો શ્વાસ લીધો હતો.
કામને વેગ મળે એ માટે ચોમાસા પહેલાં હાઈવે પર આવેલી ભેખડનો કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે. હવે કોંક્રિટીકરણનું કામ પણ તાત્કાલિક હાથ ધરવામાં આવે એવી યોજના બનાવવામાં આવી રહી છે. છેલ્લાં ત્રણ દિવસથી આ કામ ચાલી રહ્યું છે અને આગામી કેટલાક દિવસમાં જ આ કામ પણ પૂરું થઈ જશે અને ઘાટમાં બંને લેન વાહનવ્યવહાર શરૂ થઈ જશે.