…તો શિંદે કેમ્પના સૌથી પહેલા નેતા ભાજપના ચૂંટણી ચિહન પરથી ઈલેક્શન?
મુંબઈ: લોકસભાની ચૂંટણીની મોસમ શરૂ થઇ ત્યારથી જ પક્ષપલટાની પણ મોસમ શરૂ થઇ ગઇ હતી અને એક પક્ષમાંથી બીજા પક્ષમાં નેતાઓની આવ-જા પણ ચાલુ જ છે. જોકે, એક જ ગઠબંધનમાં રહેલા પક્ષોમાં નેતાઓની આયાત-નિકાસ થતી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. મહાયુતિના એકનાથ શિંદે જૂથના શિવસેનાના રાજેન્દ્ર ગાવિત ભાજપના ચૂંટણી ચિહ્ન પરથી ચૂંટણી લડવાના હોવાની જાણકારી મળી છે. ગાવિત ભાજપના ચૂંંટણી ચિહ્ન કમળ પરથી પાલઘર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે, તેવી શક્યતા છે.
જો આમ થાય તો ભાજપના ચૂંટણી ચિહ્ન પરથી લડનારા ગાવિત પહેલા શિંદે જૂથના સાંસદ બનશે. શિંદે જૂથના ગાવિત બે વખતથી પાલઘર લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે અને જો તે આ વખતે પણ ચૂંટણી જીતે તો તે ત્રીજી વખત સાંસદ બનીને તે હેટ-ટ્રીક કરી શકે.
આપણ વાંચો: ઓડિશામાં CM પટનાયક સાથે ચર્ચા નિષ્ફળ, હવે ભાજપ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે
2018માં શિવસેનાના સાંસદ ચિંતામણ વણગાનું નિધન થયું ત્યારબાદ તેમના પુત્ર શ્રીનિવાસ વણગાને અહીંથી ચૂંટણી લડવાની તક આપવામાં આવી હતી. જોકે, પેટાચૂંટણીમાં શ્રીનિવાસ વણગા રાજેન્દ્ર ગાવિત સામે હારી ગયા હતા.
2019માં ભાજપ અને શિવસેના ફરી એકસાથે ચૂંટણીમાં ઉતર્યા હતા અને એ વખતે પાલઘર બેઠક શિવસેનાના ફાળે આવતા ગાવિતે ધનુષબાણના ચિહ્ન પરથી ચૂંટણી લડી હતી. જોકે, આ વખતે ભાજપનું જોર પાલઘરમાં વધુ હોવાના કારણે ગાવિત ભાજપમાં પ્રવેશ કરીને કમળના ચૂંટણી ચિહ્ન પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.