શરદ પવારે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી: પંકજા મુંડે સામે અજિત પવાર જૂથના બળવાખોરો

મુંબઈ: શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) દ્વારા પોતાના મહારાષ્ટ્રના પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં સૌથી મહત્ત્વની જાહેરાત બીડમાં કરવામાં આવેલા ઉમેદવારની છે. બીડમાં મહાયુતિ દ્વારા ભાજપ તરફથી સ્વર્ગીય ગોપીનાથ મુંડેના પુત્રી તેમ જ ભૂતપૂર્વ પ્રધાન પંકજા મુંડેને ઉમેદવારી આપવામાં આવી છે ત્યારે અહીં શરદ પવાર દ્વારા અજિત પવાર જૂથમાં બંડખોરી કરીને શરદ પવાર જૂથમાં આવેલા ઉમેદવારને ઊભો કરવામાં આવ્યો છે.
બીડમાં શરદ પવાર દ્વારા બજરંગ સોનાવણેને ઉમેદવારી આપવામાં આવી છે. સોનાવણે અજિત પવાર જૂથને ઝટકો આપી છેલ્લી ઘડીએ શરદ પવાર જૂથમાં જોડાયા હતા.
જ્યારે બીજો ઉમેદવાર ભિવંડીનો જાહેર કરાયો હતો. શરદ પવારે ભિવંડી ખાતેથી સુરેશ ઉર્ફ બાલ્યામામામ મ્હાત્રેને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.
આપણ વાંચો: વિપક્ષના ગઠબંધનમાં વડા પ્રધાનનો ચહેરો કોણ? શરદ પવારે શું આપ્યો જવાબ?
આ પૂર્વે શરદ પવાર દ્વારા વર્ધા, દિંડોરી, બારામતી, શિરુર, અહેમદનગર આ બેઠકો ઉપર પોતાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.
આમાં મુખ્યત્વે બારામતીની બેઠક સૌથી મહત્ત્વની છે. કારણ કે આ બેઠક શરદ પવારનો ગઢ માનવામાં આવે છે અને વર્ષોથી અહીં એકચક્રી શાસન ધરાવે છે. હાલ આ બેઠક પર શરદ પવારના પુત્રી સુપ્રીયા સુળે સાંસદ છે અને આ વખતે પણ તેમને જ ટિકિટ આપવામાં આવી છે.
સુપ્રીયા સુળેની સામે અજિત પવાર જૂથની એનસીપી દ્વારા અહીં અજિત પવારના પત્ની સુનેત્રા પવારને ઉમેદવારી આપવામાં આવી છે. એટલે કે બારામતી બેઠક પર નણંદ અને ભાભીનો જંગ જોવા મળશે, જેના પર બધાની નજર છે.