લોકસભા ચૂંટણી 2024: મહારાષ્ટ્રની પહેલા તબક્કામાં મતદાનમાં જનારી પાંચ બેઠકોની સ્થિતિ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં મહારાષ્ટ્રની જે પાંચ બેઠકો પર મતદાન થવાનું છે તે બેઠકો મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારની છે અને અહીં ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખે આ બેઠકોની શું સ્થિતિ છે તેની જાણકારી મેળવી લઈએ.
આ પાંચ બેઠકોમાં નાગપુર, ગઢચિરોલી-ચિમુર (એસટી), ભંડારા-ગોંદિયા, ચંદ્રપુર અને રામટેક (એસસી) બેઠકોનો સમાવેશ થાય છે.
વિદર્ભમાં ચૂંટણીનો જંગ અત્યંત રસપ્રદ બની રહેવાની સંભાવના છે. દેસની સૌથી જૂની રાષ્ટ્રીય પાર્ટી કૉંગ્રેસે પહેલા તબક્કાની પાંચેય બેઠકો પર પોતાના ઉમેદવારો આપ્યા છે. બીજી તરફ સત્તાધારી ભાજપ પાંચમાંથી ચાર બેઠકો પર ઉમેદવાર આપી રહી છે, જ્યારે એક બેઠક પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના ઉમેદવાર ઊભો રાખશે. અહીં ઉલ્લેખનીય છે કે મહાવિકાસ આઘાડી સાથે છેડો ફાડી નાખનારી વંચિત બહુજન આઘાડીએ પાંચમાંથી ચાર બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરીને આ જંગને વધુ રોમાંચક બનાવી દીધો છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપના દિગ્ગજ ચહેરા ઉતરશે પ્રચારના મેદાનમાં
નાગપુર:
નાગપુરમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી વિજયની હેટ્રિક નોંધાવવા જઈ રહ્યા છે. તેમની ઉમેદવારી અંગે થોડું સસ્પેન્સ ઊભું કરવામાં આવ્યું હતું અને તેને પગલે ઉદ્ધવ ઠાકરેએ તેમને ઉમેદવારી આપવાની તૈયારી પણ દાખવી હતી. આ બધા રાજકીય નાટ્ય બાદ તેમને ઉમેદવારી જાહેર કરવામાં આવી હતી.
ગડકરી સામે લડવા માટે કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ તૈયાર ન હોવાથી નાગપુર પશ્ર્ચિમ વિધાનસભા બેઠકના વિધાનસભ્ય વિકાસ ઠાકરેને લોકસભાની ઉમેદવારી આપવામાં આવી છે. ઠાકરેએ ઉમેદવારી મળ્યા બાદ એવું નિવેદન કર્યું હતું કે ચૂંટણીના જંગમાં કોઈ પણ બેઠક સંપૂર્ણ રીતે સુરક્ષિત હોતી નથી. તેમણે પોતાની પાર્ટીને વિજયી બનાવવા પૂરી તાકાત લગાવવાની જાહેરાત કરી છે.
ગઢચિરોલી-ચિમુર (એસટી):
ગઢચિરોલી-ચિમુરની બેઠક અનુસૂચિત જનજાતી માટે આરક્ષિત છે. અહીં ચૂંટણીનો જંગ ભૌગોલિક વ્યાપકતા, આદિવાસીઓની હાજરી તેમ જ નક્સલવાદના પ્રભાવને કારણે અત્યંત ગુંચવાડાપૂર્ણ છે. સાથી પક્ષ એનસીપી (અજિત પવાર જૂથ)ની માગણી છતાં ભાજપે અહીંથી વર્તમાન સાંસદ અશોક નેતેને ફરીથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે.
બીજી તરફ કૉંગ્રેસે આ બેઠક પરથી રાજ્ય સરકારના ભૂતપૂર્વ કર્મચારી ડૉ. નામદેવ કિરસાનને ઉમેદવારી આપી છે. આ બેઠક પર વંચિત દ્વારા હિતેશ માડવીને ઉમેદવારી આપવામાં આવી હોવાથી આ બેઠકનો જંગ રોમાંચક બનવાની સંભાવના જણાઈ રહી છે.
ભંડારા-ગોંદિયા
રાજ્યના બે જિલ્લામાં વહેંચાયેલી ભંડારા-ગોંદિયા બેઠકનું મહત્ત્વ ઘણું વધારે છે. ખાસ કરીને એટલા માટે કેમ કે મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેનો ગૃહ મતદારસંઘ છે. પહેલાં એવી અટકળો લગાવવામાં આવતી હતી કે આ બેટક પરથી પટોલેને ઉમેદવારી આપવામાં આવશે, પરંતુ પાર્ટીએ અહીંથી ડૉ. પ્રશાંત પડોલેને ઉમેદવારી આપી છે. તેઓ નાના પટોલેના વિશ્ર્વાસુ સહકારી અને દૂરના સંબંધી થાય છે.
ભાજપે આ બેઠક પરથી ફરી એક વખત વર્તમાન સંસદસભ્ય સુનિલ મેંઢે પર પોતાનો વિશ્ર્વાસ દાખવ્યો છે. પટોલે આ બેઠક પરથી લડવાના નથી અને પોતાના સહકારીને આગળ કર્યો છે એટલે વંચિતે આ બેઠક પરથી વસંત રાજારામ મગરને ઉમેદવારી આપી છે.
આપણ વાંચો: લોકસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં 23 કરોડની રોકડ, 17 લાખ લિટર દારૂ અને 699 કિલો ડ્રગ્સ ઝડપાયું
ચંદ્રપુર:
મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં સૌથી વધુ મહત્ત્વની આ બેઠક છે. આ બેઠક પરથી મહારાષ્ટ્રના વન્ય ખાતાના પ્રધાન સુધીર મુનગંટીવારને ઉમેદવારી આપવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે આ એકમાત્ર એવી બેઠક છે, જ્યાંથી 2019માં કૉંગ્રેસને વિજય મળ્યો હતો. આ બેઠકના સંસદસભ્ય બાળુ ધાનોરકરનું તાજેતરમાં મૃત્યુ થયું છે. આ બેઠક પરથી કૉંગ્રેસે તેમના પત્ની પ્રતિભા ધાનોરકરને ઉમેદવારી આપી છે અને તેને કારણે કૉંગ્રેસના સ્થાનિક નેતાઓમાં અસંતોષ હોવાનું કહેવાઈ રહ્યું છે.
રાજ્યમાં નેતૃત્વમાં ફેરફાર અંગેની માગણી વચ્ચે સિનિયર નેતા વિજય વડેટ્ટીવારની પુત્રીને ઉમેદવારી આપવાની માગણી પ્રત્યે દુર્લક્ષ કરવામાં આવ્યું હતું. જેને કારણે કૉંગ્રેસમાં આંતરિક અસંતોષ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ બધાની વચ્ચે આ બેઠક પરથી વંચિત દ્વારા રાજેશ બેલ્લેને ઉમેદવારી આપવામાં આવી હોવાથી આ જંગ રસાકસીભર્યો બની રહેવાની શક્યતા જણાઈ રહી છે.
રામટેક (એસસી) :
રામટેકની અનુસૂચિત જાતી માટે અનામત રાખવામાં આવેલી બેઠક પર ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી. મહાવિકાસ આઘાડીમાં ભારે રમખાણ બાદ કૉંગ્રેસ આ બેઠક પોતાની પાસે રાખવામાં સફળ થઈ હતી, પરંતુ આ બેઠક પરથી તેમણે રશ્મી બર્વેને કૉંગ્રેસે ઉમેદવારી આપ્યા બાદ પાર્ટીમાં જ આંતરિક વિખવાદ ચાલુ થઈ ગયો છે, ખાસ કરીને કિશોર ગજભીયેએ પોતાની નારાજી દર્શાવી છે. આને પગલે કૉંગ્રેસમાં એકતાનો અભાવ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ કૉંગ્રેસમાંથી વિધાનસભ્ય રાજુ પારવે રાજીનામું આપીને એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા હોવાથી એવું માનવામાં આવે છે કે આ બેઠક પરથી ભાજપ તેમને ઉમેદવારી આપવા માગે છે. હવે રાજુ પારવે આ બેઠક જીતવામાં સફળ થાય છે કે નહીં તે જોવાનું રહેશે. બીજી તરફ વંચિતે આ બેઠક પર ઉમેદવાર આપવાની જાહેરાત કરી છે, પરંતુ ઉમેદવારનું નામ જાહેર નથી કર્યું એટલે આ જંગ પર બધાની નજર રહેશે.