લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપના દિગ્ગજ ચહેરા ઉતરશે પ્રચારના મેદાનમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણી (Loksabha Election)ની જાહેરાત થઇ ત્યાર બાદ મહારાષ્ટ્રમાં ભાજપના બે દિગ્ગજ નેતાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને તેની સાથે સાથે જ આગામી સમયમાં પ્રચાર માટેની તૈયારીઓ અને રણનીતિ પણ તૈયાર થઇ ચૂકી છે.
લોકસભા બેઠકોની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ બાદ મહારાષ્ટ્ર સૌથી મહત્ત્વનું રાજ્ય છે અને ચૂંટણીમાં ‘સેકન્ડ ઇન કમાન્ડ’ તરીકેની ભૂમિકા ભજવશે. તેટલે જ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર માટે પણ કોઇ પણ પ્રકારની કચાશ રાખવામાં આવશે નહીં તેની ખાતરી ભાજપ દ્વારા કરવામાં આવી છે અને એ માટે ભાજપના દિગ્ગજ નેતાઓ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર માટે ઝંપલાવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ જેવા મોટા ગજાના નેતાઓ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારની બાગડોર સંભાળશે.
આપણ વાંચો: લોકસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં 23 કરોડની રોકડ, 17 લાખ લિટર દારૂ અને 699 કિલો ડ્રગ્સ ઝડપાયું
આ ચૂંટણીમાં ભાજપે ‘અબ કી બાર 400 પાર’નું સૂત્ર અપનાવ્યું છે ત્યારે મહારાષ્ટ્રમાં 48માંથી 45 બેઠકો પોતાના નામે કરવાનું ભાજપ અને સાથી પક્ષોનું લક્ષ્ય છે. દેશમાં 400 બેઠક મેળવવા માટે મહારાષ્ટ્રમાં વધુમાં વધુ બેઠકો ઉપર જીત હાંસલ કરવી ભાજપ અને સાથી પક્ષો માટે આવશ્યક છે અને તેટલા માટે જ પ્રચાર માટે પણ મહારાષ્ટ્રમાં કોઇપણ પ્રકારની બાંધછોડ કરવા માગતું નથી. એટલે જ વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાન ઉપરાંત પ્રખર હિંદુત્વનો ચહેરો મનાતા યોગી આદિત્યનાથ જેવા નેતાઓને મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર માટે લાવવાની તૈયારી ભાજપની છે.
આ ઉપરાંત ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, સંરક્ષણ ખાતાના પ્રધાન રાજનાથ સિંહ, નીતિન ગડકરી જેવા નેતાઓ પણ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે. એમાં પણ તમિલનાડુના ભાજપ અધ્યક્ષ કે.અન્નામલાઇ પણ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર માટે આવશે.