સુપ્રિયા શ્રીનેત બાદ ગુજરાત કોંગ્રેસના નેતાની વિવાદાસ્પદ પોસ્ટથી રાજકારણ ગરમાયું, કંગનાએ આપ્યો આ જવાબ
ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત પર કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતની વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ બાદ રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના એક નેતાએ પણ ઝંપલાવ્યું છે. ગુજરાત કોંગ્રેસના નેતાએ પણ અભિનેત્રી દ્વારા મંડી લોકસભા સીટ પરથી ચૂંટણી લડવા અંગે અપમાનજનક પોસ્ટ કરી છે. ભાજપમાં સામેલ થયા બાદ હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટથી ચૂંટણી લડી રહેલી કંગનાએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યો છે.
કંગના રનૌતે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે જ્યારે કોઈ યુવાનને ટિકિટ મળે છે તો તેની વિચારધારા પર હુમલો થાય છે. જ્યારે કોઈ યુવા મહિલાને ટિકિટ મળે છે તો તેની કામુક્તા પર હુમલો થાય છે. આ આશ્ચર્યજનક છે, કંગનાએ લખ્યું છે કે કોંગ્રેસના લોકો એક નાના શહેરના નામનો દુરપયોગ કરી રહ્યા છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: કંગના રણૌત પછી વધુ એક અભિનેત્રીનું નામ ચર્ચામાં
મંડીનો ઉપયોગ દરેક જગ્યાએ યૌન સંદર્ભમાં કરવામાં આવી રહ્યો છે. આવું એટલા માટે કારણ કે ત્યાંથી એક યુવા મહિલા ઉમેદવાર છે. કંગનાએ લખ્યું છે કે મહિલાઓ પ્રત્યે આવા ગંદા વિચારો ધરાવનારા કોંગ્રેસીઓને શરમ આવવી જોઈએ.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી વિવાદનું કેન્દ્ર બનેલા ગુજરાત કોંગ્રેસના કિસાન સેલ સાથે સંકળાયેલા એસ એસ આહિરે તેમનું એકાઉન્ટ પ્રાઈવેટ કરી નાખ્યું છે. તેમણે પોતાના બચાવમાં કહ્યું છે કે મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટનું એક્સેસ કોઈ બીજા પાસે હતું તેણે આવી શરમજનક પોસ્ટ કરી છે, જેને પાછી ખેંચી લેવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે કંગનાની આ પોસ્ટ ગુજરાત કોંગ્રેસના નેતા એચએસ આહિરના એકાઉન્ટમાંથી કરવામાં આવેલી વાંધાજનક પોસ્ટના જવાબમાં આવી હતી. આ પોસ્ટ 24 માર્ચે રાત્રે 9:19 વાગ્યે કરવામાં આવી હતી. બીજી તરફ ગુરુગ્રામમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે. જેમાં શ્રીનેત સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.