લાડકી

સફળ કારકિર્દી અને ત્રણ લગ્ન ફાતિમા રાશીદનો જન્મ

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

ભાગ: ૨
નામ: ફાતિમા રાશીદ (નરગીસ દત્ત-નિર્મલા દત્ત)
સ્થળ: પાલી હિલ, બાન્દ્રા-મુંબઈ
સમય: બીજી મે, ૧૯૮૧
ઉંમર: ૫૧ વર્ષ
આંખ મીંચીને હોસ્પિટલના બિછાના પર સૂતેલી દરેક વ્યક્તિ બે-હોશ નથી હોતી! એને આસપાસના જગતનો, બની રહેલી ઘટનાઓનો, બોલાતા શબ્દો અને સ્પર્શનો અહેસાસ હોય છે, પરંતુ એ પોતે સજીવ હોવાનો, જાગતા હોવાનો અહેસાસ બીજા લોકોને કરાવી શકતી નથી એ એનું બદનસીબ છે.

આજે સવારે અગિયાર વાગ્યે મેં છેલ્લી વાર સંજુને જોયો, મારો હાથ પકડીને બેઠો હતો એ! એક શબ્દ નહોતો બોલ્યો, પણ એની આંખોમાં વાંચી શકતી હતી હું, ‘હમણાં નહીં મરતી મોમ! બસ પાંચ દિવસ ખેંચી કાઢ…’ અમે બધા સાતમી મેની રાહ જોતા હતા. મારા દીકરા સંજયની પહેલી ફિલ્મ રિલીઝ થવાની હતી એ દિવસે. ‘રોકી’…દત્ત સાહેબ દિગ્દર્શિત આ ફિલ્મ સંજયની કારકિર્દીનું ભાવિ નિશ્ર્ચિત કરશે એવું અમને સૌને લાગતું હતું જોકે, સંજુ ત્યાં સુધીમાં ઘણી સમસ્યાઓમાંથી પસાર થઈ ચૂક્યો હતો. એની અને દત્ત સાહેબ વચ્ચે એક ‘ડર’ નો સંબંધ રહ્યો. પિતા-પુત્ર એકબીજા સાથે બેસીને વાત કરે, એમની વચ્ચે સંવાદ થાય, એવા ઘણા પ્રયાસ મેં કર્યા, પરંતુ કોણ જાણે કેમ-સંજુ એમનાથી ડરતો રહ્યો ને દત્ત સાહેબ પણ ખૂબ પ્રેમાળ પિતા હોવા છતાં એમના ડિસિપ્લિનના આગ્રહ અને સંજય પાસેની અનેક અપેક્ષાઓને કારણે એની સાથે સમજણ કે ક્ષમાશીલ થઈને વર્તી શક્યા નહીં. આજે મને સૌથી વધારે ચિંતા હોય તો એક જ વાતની છે, મારા ગયા પછી આ બે જણાંનું શું થશે!

મારી દીકરીઓ સમજદાર છે. ડાહી છે… ને સૌથી મોટી નવાઈ એ છે કે, નમ્રતા અને પ્રિયા દત્ત સાહેબની ખૂબ લાડકી છે. એ એમના પિતા સાથે વાત કરી શકે છે, ચર્ચા કરી શકે છે અને ધાર્યું કરાવી શકે છે, પણ સંજુ, એમનાથી દૂર જ રહે છે. હું નહીં હોઉ ત્યારે મારો દીકરો શું કરશે એ વિચારે હું ભીતરથી વલોવાઈ જાઉ છું.

દુનિયાની કોઈ પણ માનું સપનું હોય કે એના સંતાનની કારકિર્દી અને જિંદગી બંને સેટલ થઈ જાય. મારે માટે પણ સંજયની કારકિર્દી બહુ અગત્યની હતી. સંજય સાવ નાનો હતો ત્યારથી મેં એને માટે બહુ સપનાં જોયાં હતાં. સુનીલજી પણ સંજયની કારકિર્દી વિશે ખૂબ ચિંતિંત હતાં. દરેક પિતાની ઈચ્છા હોય કે એનો દીકરો એનો વારસો જાળવે. એમને પણ ઈચ્છા હતી કે સંજય બહુ મોટો સ્ટાર બને. જો કે સંજય શું કરશે એ વિશે અમે બંને જણાં સહેજ ડરેલાં હતાં. સુનીલજીને લાગતું હતું કે હું સંજુને બહુ લાડ કરું છું, સંજુ મારે લીધે બગડ્યો છે એવું એ મને ઘણીવાર કહેતા…

બલરાજની વાત સાચી છે. મેં બહુ લાડ કર્યા છે સંજયને… હું ભાગ્યે જ એને કોઈ વસ્તુની ના પાડતી. એને જે જોઈએ, જ્યારે જોઈએ એ મળી જ જતું. ક્યારેક બલરાજ ના પાડે તો હું છુપાવીને પણ એની ઈચ્છા પૂરી કરતી. મને નહોતું સમજાતું કદાચ, પણ આમાં સંજય જિદ્દી અને સ્વચ્છંદી થઈ રહ્યો હતો. બલરાજજી મને રોકતા-ટોકતા, પણ હું આંધળી થઈ ગઈ હતી. સંજુ માટે પિતા ધીમે-ધીમે ‘ડેવિલ’ બની ગયા અને હું ‘ડિવાઈન’. એની ઈચ્છા પૂરી કરતી, ભૂલ કર્યા પછી પણ એને બચાવતી એક દેવી, અને બલરાજજી એક એવા રાક્ષસ જે એની ભૂલ માટે એને સજા કરતા. બંને જણાં એકબીજાથી દૂર થવા લાગ્યા. મનફાવતા પૈસા સંજુના હાથમાં આવતા રહ્યા. એ ક્યારે ડ્રગ્સ અને શરાબના રવાડે ચડ્યો એની મને ખબર પણ નથી પડી-જ્યારે ખબર પડી ત્યારે મોડું થઈ ગયું હતું. હું કેન્સરમાં સપડાઈ હતી, આખું કુટુંબ મારી માંદગીમાં ઝઝૂમી રહ્યું હતું. પૈસા પાણીની જેમ વપરાતા હતા અને બલરાજજી સંજયની કારકિર્દી માટે મથામણ કરી રહ્યા હતા. એમણે ફિલ્મ એનાઉન્સ કરી, પણ ટીના સાથેના સંજુના સંબંધોને કારણે એણે જિદ કરીને ‘રોકી’માં ટીનાનું કાસ્ટિંગ કરાવ્યું… ફિલ્મ બની, અમે બધા છઠ્ઠી મેની રાહ જોઈ રહ્યા હતા. હું હજી હમણાં જ સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટર, ન્યૂયોર્કથી પાછી આવી હતી. આમ, તો હું સમજી ગઈ હતી કે જિંદગીના હવે થોડા જ દિવસો બાકી છે. ફિલ્મની રિલીઝ માથા પર હતી, બલરાજજી ન્યૂયોર્ક રોકાઈ શકે એમ નહોતા… સંજુએ પણ પાછા આવવું પડે એમ હતું. મેં જ જિદ કરી અને હું હિન્દુસ્તાન પાછી આવી. સાચું પૂછો તો મારે મારી ઝમીનમાં દફન થવું હતું.

આ એ ઝમીન છે જેણે મને કેટલું બધું આપ્યું છે. મારી માને કેટલું બધું આપ્યું છે! મારી પાસેથી કેટલું બધું લીધું છે-છીનવ્યું છે, મારી મા પાસેથી પણ કેટલું બધું છીનવ્યું છે!

જ્યારે જદ્દનબાઈ એક સફળ ગાયિકા અને અભિનેત્રી પુરવાર થઈ ત્યારે ધીમે ધીમે લોકો ભૂલી ગયા કે એ એક તવાયફ હતી! સમાજમાં લોકોએ એને સ્વીકારી એટલું જ નહીં, હવે લોકો એની પાછળ ફરવા લાગ્યા. કલકત્તાના અમારા ઘરમાં નિર્માતાઓ અને ટોકિઝના માલિકો કથા સંભળાવવા, સાઈનિંગ અમાઉન્ટ આપવા માટે આંટાફેરા કરવા લાગ્યા. એ ગાળામાં મારી માની મુલાકાત થઈ એક ગુજરાતી હિન્દુ વ્યાપારી નરોત્તમદાસ ખત્રી સાથે. લોકો એમને બચુભાઈ અથવા ‘બચીબાબુ’ તરીકે ઓળખતા. બડા બઝારમાં એમનો મોટો બિઝનેસ હતો. એ મારી માના દીવાના થઈ ગયા. મારી મા કહે તે શર્તે એમણે મારી મા સાથે લગ્ન કરવાની પ્રપોઝલ મૂકી. સાચું પૂછો તો મારી માની કારકિર્દી એ વખતે ઝળાંહળાં થતી હતી. એણે લગ્ન કરવાની જરૂરત જ નહોતી, પરંતુ સાચું પૂછો તો એ સમયની કે આજની-કોઈપણ સ્ત્રી માટે લગ્ન કરીને ઠરીઠામ થવું એ જ એનું અંતિમ સ્વપ્ન હોય છે! એમાં ય, જદ્દનબાઈ તો તવાયફ હતી. એની સાથે કોણ લગ્ન કરે? ગમે તેટલી સુંદર, ગમે તેટલી સફળ છતાંય તવાયફ તો ખરી જ ને? એક શ્રીમંત સંપન્ન અને સંભ્રાંત પરિવારનો યુવાન એની સાથે લગ્ન કરવા ઉત્સુક હતો-જદ્દનબાઈએ હામિ ભરી દીધી. બચીબાબુ અને જદ્દનબાઈના લગ્ન થયાં. બચીબાબુએ ઈસ્લામ સ્વીકાર્યો. લગ્ન શરૂઆતમાં તો સારા ચાલ્યાં, પરંતુ એક દીકરા-અખ્તર હુસૈનના જન્મ પછી બંને વચ્ચેના સંબંધો તંગ થવા લાગ્યા. મારી મા એમ કહેતી કે, એમના પહેલા શૌહર ધીમે ધીમે શંકાશીલ અને ઈર્ષાળુ થવા માંડ્યા હતાં. મારી માને બહુ સપનાં હતા. એ પોતાની કારકિર્દી છોડી શકે એમ નહોતી, અને એમના પહેલા શૌહર બચીબાબુ ઈચ્છતા હતા કે, મારી મા કારકિર્દી છોડીને ઘેર બેસે. એ મારપીટ કરતા-ઘેર આવતા માણસો સાથે બદતમીઝી કરતા. એ ગાળામાં મારી માના હાર્મોનિયમ માસ્તર ઉસ્તાદ ઈર્શાદ મીર ખાન સાથે મારી માની નિકટતા વધવા લાગી. એણે પોતે કહ્યા મુજબ તો ઉસ્તાદ ઈર્શાદ મીર ખાન માત્ર એક મિત્ર અથવા સહાનુભૂતિ ધરાવતા સહકાર્યકર હતા, પરંતુ જિંદગી જોયા પછી મને સમજાય છે કે, કોઈ એક સ્ત્રી જ્યારે દુ:ખી લગ્ન જીવન કે સંબંધમાંથી પસાર થઈ રહી હોય ત્યારે એ જેના ખભા પર માથું મૂકે એને જાન અને જિસ્મ બંને સોંપી દેતી
હોય છે!

મારા પિતા સાથે તલાક લઈને એણે ઈર્શાદ મીર સાહેબ સાથે લગ્ન કર્યાં અને એમને બીજો દીકરો જન્મ્યો જેનું નામ અનવર હુસૈન પાડવામાં આવ્યું. બહુ ઝડપથી મારી માને સમજાઈ ગયું કે, ઈર્શાદ મીર સાહેબની સહાનુભૂતિ મારી માના પૈસા અને એની કારકિર્દી પૂરતી જ સીમિત હતી! એક હાર્મોનિયમ માસ્તરના લગ્ન એક સફળ ગાયિકા અને નાયિકા સાથે થયા હતા, એમણે પૈસા પાણીની જેમ વાપરવા માંડ્યા અને મારી માએ તલાક લઈને ભૂલ સુધારી
લીધી.

એણે ત્રીજા લગ્ન કર્યાં એક હિન્દુ સાથે. મોહનચંદ ઉત્તમચંદ ત્યાગી. જે પંજાબી મોહિયાલ બ્રાહ્મણ હતા, પરંતુ મારી માના આગ્રહને કારણે એમણે પણ ઈસ્લામ સ્વીકાર્યો અને પોતાનું નામ અબ્દુલ રાશીદ પાડ્યું.

આજે વિચારું છું તો સમજાય છે કે, ત્રણ ત્રણ પુરુષોને પોતાના મોહ, પોતાના પ્રેમમાં બાંધીને લગ્ન સુધી લઈ આવનાર આ સ્ત્રી જીવનના અંતકાળે કેટલી એકલી હતી! મોહનચંદ ઉત્તમચંદ ત્યાગી ઉર્ફે અબ્દુલ રાશીદ સાથેના લગ્ન પછી જદ્દનબાઈએ એક દીકરીને જન્મ આપ્યો, એનું નામ પાડ્યું ફાતિમા રાશીદ. એ હું. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…