ઈન્ટરવલ

અમેરિકામાં વિદ્યાર્થીઓનું આંદોલન સેમ અંકલના માનવતાના બેવડા ધોરણ ખુલ્લા પડી ગયા

પ્રાસંગિક -અમૂલ દવે

આખા વિશ્ર્વને માનવતાના પાઠ ભણાવતું અમેરિકા આજકાલ યુદ્ધના નવા મોરચામાં ગૂંચવાયેલું છે અને તેન મોરચો છે કોલેજ કેમ્પસ.

અમેરિકાની કોલેજ અને વિદ્યાપીઠમાં સ્ટુડન્ટસનું આંદોલન ફાટી નીકળ્યુંં છે. આ વિદ્યાર્થીઓ પેલેસ્ટાઈનની તરફેણમાં અને અમેરિકાના પીઠ્ઠુ ઈઝરાયલની વિરુદ્ધ પ્રોટેસ્ટ કરી રહ્યા છે. આની શરૂઆત કોલંબિયા વિદ્યાપીઠથી થઈ અને જોત જોતામાં આ આંદોલનની આગ બીજી વિદ્યાપીઠમાં પણ ફેલાઈ ગઈ.

આવા આંદોલનકારીઓને કેમ્પસમાંથી બહાર કાઢવા પોલીસની મદદ લેવામાં આવી છે. એક રિપોર્ટ પ્રમાણે ૨૦૦૦ વિદ્યાર્થીઓની ધરપકડ થઈ છે. કોલંબિયા વિદ્યાપીઠની બહારના તંબુ તોડી પાડ્વામાં આવ્યા છે. શીલ્ડ, લાઠી અને સ્મોકબોમ્બથી સજ્જ પોલીસને ચૌતરફ તૈનાત કરવામાં આવી છે. કોલેજમાં પ્રવેશીને પોલીસ વિદ્યાર્થીને હાથકડી પહેરાવીને લઈ જાય છે. ટેકસાસ યુનિવર્સિટીમાં ૩૪ છાત્રોની ધરપકડ થઈ છે. વર્જિનિયામાં પણ આવો જ સિનારિયો છે. કેલિફોનિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચેની અથડામણનાં વીડિયો બહાર આવ્યા છે.
બીજી તરફ,હાર્વર્ડ યુનિવર્સિટીની પણ હાલત બગડતી જાય છે. આ પ્રોટેસ્ટને લીધે ઓછામાં ઓછી એક સેમેસ્ટર રદ કરવી પડશે. કોલેજોએ ગ્રેજ્યુએશન સેરિમની નાના પાયે યોજવાનું શરૂ કર્યું છે. કોલંબિયામાં ૧૦૦ પ્રદર્શનકારીઓની ધરપકડ થઈ છે.

ડિમાન્ડ શું છે.?

આંદોલનકારી વિદ્યાર્થીઓની માંગણી એ છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં સ્થાયી સીઝફાયર એટલે કે સ્થાયી યુદ્ધવિરામ કરો. અમેરિકા ઈઝરાયલને હથિયારો અને સહાય આપવાનું બંધ કરે. વિદ્યાર્થીઓ એવી માગણી કરી છે કે અમેરિકા ઈઝરાયલ સાથેના વેપારી સંબંધોનો પણ અંત આણે.

ભારતીય પેરેન્ટ્સની જીવ તાળવે
અમેરિકાના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ૨૫ ટકા ભારતીયો છે. એમનાં માતા-પિતાનો જીવ તાળવે આવી ગયો છે. ભારતીય બેન્કોમાંથી એજ્યુકેશન લોન લઈને સંતાનોને વિદેશ ભણવા મોકલનાર વાલીઓને પોતાનાં સંતાનોના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. જે ભારતીય સ્ટુડન્ટ આંદોલનમાં સામેલ થયા છે અને એમની ધરપકડ થઈ છે. માવતરોને એ સવાલ સતાવી રહ્યો છે કે પ્રોટેસ્ટને લીધે સેમેસ્ટર મોડી થશે. ડિગ્રીઓ મોડી અપાશે. સ્ટુડન્ટના પ્લેસમેન્ટ મોડા થશે. વિઝાની મુદત નહીં વધારાય તો શું થશે ? પરિમટ પૂરી થઈ જશે તો શું થશે એમની ફીનું મેનેજમેન્ટ કઈ રીતે કરાશે અને જો અમારા સંતાન આંદોલનમાં જોડાય ને ધરપકડ થાય તો શું ? એમની સ્કોલરશિપ અને વિઝા જતા રહેશે ?

ફાઇનલ એક્ઝામ હવે ઓનલાઈન થશે એવી જાહેરાત થઈ છે. દેશી સ્ટુડન્ટ એફ-વન કે જે-વન વિઝા રદ થાય અને સ્કોલરશીપ જતી રહે એવા ભયથી મોટા ભાગના ભારતીય સ્ટુડન્ટ આ આંદોલનથી દૂર રહ્યા છે.

અમેરિકાના વિદ્યાર્થીઓ જેટલા હક્ક વિદેશી વિદ્યાર્થીઓ ધરાવતા નથી એ હકીકત છે.જો કોઈ ભારતીય સ્ટુડન્ટને સસ્પેન્ડ કે બરતરફ કરાય તો તે કાયદેસર રીતે અમેરિકામાંં ન રહી શકે. સ્ટુડન્ટના રેકોર્ડમાં પણ આની નોંધ લેવાય છે. તમે કોઈ બીજા દેશમાં જાઓ છો તો ત્યાંના મહેમાન હો છો અને તમને ત્યાંના સ્ટુડન્ટ જેટલા અધિકારો મળતા નથી. ભારતીય સ્ટુડન્ટને સલાહ છે કે આ આંદોલનથી તેઓ દૂર જ રહે. અમેરિકા-યુરોપની બે મોઢાળી વાત રિચાર્ડ એટનબરોની ઓસ્કાર જીતનારી ફિલ્મ ‘ગાંધી’ માં એક સીન છે. ગાંધીજી અને સ્વયંસેવકો મીઠાના અગારમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે ત્યારે પોલીસો એમના પર લાઠીઓ વીંઝે છે. એમના હાડકાં તોડી નાખવામાં આવે છે. આમ છતાં આંદોલનકારીઓ વળતો હુમલો કરતા નથી. બધુ હસતાં મોંઢે સહન કરી લે છે.

‘ન્યૂ યોર્ક ટાઈમ્સ’ના વિન્સ વોકરે ૧૯૩૦માં લખ્યું હતું કે એ બધા હાથ ઊંચા કરીને ચાલ્યા. એમને ઈજા કે મરણનો ભય નહોતો..’ પશ્ર્ચિમના દેશોને જે નૈતિકતાનું અભિમાન હતું તે ઓગળી ગયું.
હાલમાં આવું જ ગાઝ પટ્ટીમાં ઈઝરાયલના અત્યાચારોમાં બન્યું છે. માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ અંગે બધાને જ્ઞાન આપતા ફરનારા અમેરિકા અને યુરોપના દેશોએ એમની શાખ, વિશ્ર્વસનીયતા અને નૈતિકતા ગુમાવી દીધી છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, જર્મની, ફ્રાન્સ, કેનેડા, ઓસ્ટ્રેલિયા ઈઝરાયલના અનેક સીતમ અને માનવ અધિકારના ભંગ છતાં તેને હથિયારો આપવાનું ચાલુ રાખ્યું છે.

બીજી તરફ, અમેરિકાના દબાણને લીધે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ઈઝરાયલ સામે કોઈ પગલાં લેતું નથી.

અડિયલ ઈઝરાયલ
અમેરિકા ઈચ્છે છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામની વાતચીત સફળ થાય, પરંતુ ઈઝરાયલે એકદમ કડક રવૈયો અપનાવ્યો છે. હમાસે એવી માગણી કરી છે કે તે તેના કબજામાં રહેલા બાનોને આપવા તૈયાર છે, પરંતુ આના બદલામાં ઈઝરાયલ યુદ્ધનો સંપૂર્ણ અંત આણે. ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ આ સ્વીકારવા તૈયાર નથી. ઈઝરાયલ ૧૩૦ બાનને પાછા મેળવવા હંગામી યુદ્ધવિરામને માટે જ તૈયાર છે. ઈઝરાયલ પેલેસ્ટાઈનમાંથી તેનાં દળો હટાવવા પણ તૈયાર નથી. કેરોમાં ચાલતી વાતચીત ઈઝરાયલને લીધે ભાંગી પડી છે. ઈઝરાયલ તો રફાહમા્ં નવો મોરચો ખોલવા આતુર છે. આ એ જ શહેર છે જે ઈજિપ્તની નજીક છે અને ત્યાં ગાઝાના વિસ્થાપિત ૨૩ લાખ લોકોએ આશરો લીધો છે. પેલેસ્ટાઈનને અપાતી સહાય પણ અહીંથી જાય છે. નેતન્યાહુ તો કહે છે કે હું સીઝફાયરની ડીલ થાય કે નહીં થાય રફાહ પર હુમલો કરીશ જ. ઈઝરાયલે સ્વરક્ષણના નામે ૧૪,૫૦૦ બાળકો અને ૧૦,૦૦૦ મહિલાઓને હુમલામાં મારી નાખ્યા છે. ઈરાને ઈઝરાયલ પર ડ્રોન અને મિઝાઈલ વડે હુમલો કર્યો ત્યારે અમેરિકા અને બીજાઓએ આ હુમલાને વિફળ બનાવવામાં ઈઝરાયલની મદદ કરી હતી.જો ઈઝરાયલ રફાહ પર હુમલો કરશે તો આ એક જાતનો નરસંહાર હશે. ઈઝરાયલે અલ જજીરા નામની કતારની માલિકીની આંતરરાષ્ટ્રીય ચેનલને તેના ઓપરેશન બંધ કરવાનો આદેશ આપ્યો હતો. ઈઝરાયલે તેની જેરુસલેમની ઓફિસ બળજબરીથી બંધ કરાવી છે. આ વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિની આઝાદી પરનું આક્રમણ છે.

ચૂંટણી પર અસર
અમેરિકાના કેમ્પસના સ્ટુડન્ટ પ્રોટેસ્ટની અમેરિકાની પ્રમુખપદની નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી પર અસર પડશે. અગાઉ પણ સ્ટુડન્ટસના આંદોલન થયા છે. અગાઉ રંગભેદ અને વિયેટનામ સામેના અમેરિકાના યુદ્ધ વિરુદ્ધ વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું હતું. અમેરિકાના પ્રમુખ જો બાઈડને કહ્યું છે કે હું વિદ્યાર્થીનો આંદોલન કરવાના હક્કનો આદર કરું છું, પરંતુ તેમને સંપિત્તને નુકાસન પહોંચાડવાનો કે અરાજકતા ફેલાવવાનો કોઈ અધિકાર નથી. આ આંદોલનથી ઈઝરાયલને મદદ કરવાના મારા ઈરાદામાં કોઈ અસર થઈ નથી. અમેરિકાના ભૂતપૂર્વપ્રમુખ અને બાઈડેનના હરીફ ડોનાલ્ડ ટ્રમ્પે તો પ્રોટેસ્ટને દેશનું અપમાન ગણાવ્યું છે. નેતન્યાહૂએ તો આ આંદોલનને જર્મનીના નાઝી સાથે સરખાવ્યું છે. જો ભૂલેચૂકે ટ્રમ્પ પ્રમુખ ફરી બનશે તો વિદ્યાથીઓએ વધુ આકરું આંદોલન કરવાની તૈયારી રાખવી પડશે
અંતમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ ઈરાન અને ઈઝરાયલના પ્રાદેશિક જંગમાં ન ફેરવાઈ જાય તો સારું. ઈઝરાયલ અને ઈરાને એકેમેક પર હુમલા-પ્રતિહુમલા કર્યા છે. ઈઝરાયલ ઈરાનના અણુમથક પર હુમલો કરવાની પેરવીમાં છે. ઈરાને હાલમાં એના અણુ પ્લાન્ટ હુમલાના ડરે બંધ કરી દીધા છે. ઈરાન રશિયા પાસેથી તેની આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનું છે. ઈઝરાયલ પાસે તો અણુ બોમ્બ છે, જ્યારે ઈરાને પણ અણુબોમ્બ બનાવવાનો દાવો કર્યો છે. હાલમાં ઈરાનના વડા પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. આ બે દેશના વડા વચ્ચે એટમ બોમ્બ અંગે ગુપ્ત સમજૂતી થઈ હોય તો વિશ્ર્વ શાંતિ માટે નવું જોખમ ઊભું થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…