‘Hindu Lives Matter’: બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસાના વિરોધમાં ભારતીયોનું પ્રદર્શન
હ્યુસ્ટન (યુએસ): બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ લઘુમતી સમુદાયના સભ્યો હિંસાનો સામનો કરી રહ્યા છે. હિંદુઓ વિરુદ્ધની હિંસામાં વધારાને જોતા અમેરિકામાં હિંદુ સમુદાય વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. હ્યુસ્ટનના શુગર લેન્ડ સિટી હોલમાં ૩૦૦થી વધુ અમેરિકન-ભારતીય અને બાંગ્લાદેશી મૂળના હિંદુઓએ પ્રદર્શન કર્યું હતું.
પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ જો બાઇડનને બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયના સભ્યો વિરુદ્ધ હિંસાને લઇને તાત્કાલિક અને નિર્ણાયક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. આ સાથે તેઓએ બાઇડન સરકાર પાસે લઘુમતી સમુદાયના સભ્યોની સુરક્ષાની પણ માંગ કરી હતી. તેમજ સમુદાય વિરુદ્ધ થઇ રહેલી હિંસા મુદ્દે મૂક પ્રેક્ષક ન બની રહેવા માટે આગ્રહ કર્યો હતો.
ગ્લોબલ વોઇસ ફોર બાંગ્લાદેશ માઇનોરિટીજે ‘બાંગ્લાદેશમાં હિંદુઓને બચાવો’ શીર્ષક હેઠળ હ્યુસ્ટનમાં શાંતિપૂર્ણ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ વિરોધમાં ભાગ લેનારા લોકોએ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા અને અત્યાચારનો અંત લાવવાની માંગ કરતા પ્લેકાડર્સ પર સંદેશા પણ લખ્યા હતા. આ દરમિયાન હિંદુ લાઈવ્સ મેટર, હિંદુ નરસંહાર બંધ કરો, અને અમે ભાગીશું નહી, અમે છુપાઇશું નહીં’ જેવા નારા પણ લગાવ્યા હતા.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓએ માઝા મૂકી, ’71ના યુદ્ધના સ્મારકોની કરી તોડફોડ
વિશ્વ હિંદુ પરિષદ અને હિંદુએક્શનનું પ્રતિનિધિત્વ કરતા એક પ્રતિનિધિ અચલેશ અમરે ભીડને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે અમે હિંદુ સમુદાય પર થઇ રહેલા હુમલાની નિંદા કરીએ છીએ. અમે બાંગ્લાદેશમાં અમારા ભાઇઓ અને બહેનો સાથે ઉભા છીએ. અમે બાંગ્લાદેશ સરકારને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા અને તેના તમામ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરીએ છીએ.
અચલેશ અમરે હિંદુપેક્ટના સહ-સંયોજક દીપ્તિ મહાજનનું નિવેદન પણ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં તખ્તાપલટ સાથે એક કરોડ હિંદુ નરસંહારના બોંબ પર બેઠા છે. બાંગ્લાદેશની અંદરથી આવી રહેલા અહેવાલો અનુસાર હત્યાઓ અને હિંદુ મંદિરોમાં તોડફોડની ઘટનાઓ સામે આવી રહી છે.