ગ્રીનલેન્ડે માગી ભારતની મદદ: સાંસદે કહ્યું કે, “અમને અમેરિકાથી જોખમ છે”

નુક: અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ, કેનેડા અને પનામા નહેર પર કબજો જમાવવાની અને હસ્તગત કરવાની ઈચ્છા રહી છે. એક વર્ષની અંદર જ ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે મનમાની શરૂ કરી દીધી છે. વેનેઝુએલા પર ટ્રમ્પે હુમલો કરી દીધો છે. વેનેઝુએલાના પેટ્રોલિયમ ભંડારો પર કબ્જો મેળવ્યા બાદ હવે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજર ડેનમાર્કના સ્વાયત્ત પ્રદેશ ગ્રીનલેન્ડ પર છે. એવા સમયે હવે ગ્રીનલેન્ડે ભારતની મદદ માંગી છે.
ભારત આમારો સાથ આપશે
વિશ્વના સૌથી મોટા ટાપુ ગ્રીનલેન્ડને લઈને ફરી આંતરરાષ્ટ્રીય સ્તરે ગરમાવો જોવા મળી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ પ્રત્યેની રુચિ સામે યુરોપના શક્તિશાળી દેશોએ એક થઈને મોરચો માંડ્યો છે. ગ્રીનલેન્ડ પણ અન્ય દેશો પાસે સમર્થન અને મદદ માગી રહ્યું છે. ગ્રીનલેન્ડના સાંસદ રાસ્મસ જાર્લોવે ભારત પાસે મદદની ગુહાર લગાવી છે.
આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ રાસ્મસ જાર્લોવે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું છે કે, “ગ્રીનલેન્ડ ભારતથી ઘણું દૂર છે, પરંતુ અહીં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત દાવ પર લાગ્યો છે. શું ભારત એ સ્વીકાર કરશે કે કોઈ વિદેશી તાકત તેના કોઈ વિસ્તાર પર આર્મી ફોર્સથી અથવા સ્થાનિક લોકોને લાંચ આપીને કબ્જો મેળવવાની કોશિશ કરે? મને લાગે છે કે, ભારત આવા કૃત્યથી ઘણું નારાજ થશે અને દરેક દેશે નારાજ થવું જોઈએ.
રાસ્મસ જાર્લોવે આગળ જણાવ્યું કે, “હું આશા રાખું છું કે, ભારત પણ આમારો સાથ આપશે, કારણ કે તે સમગ્ર વિશ્વના હિતમાં છે. જો આપણે તેને સામાન્ય બનાવી દઈશું, કે કોઈ પણ આવીને ગમે તે વિસ્તારમાં કબ્જો કરી શકે, તો દુનિયા ઘણી અરાજક બની જશે.”
ગ્રીનલેન્ડને ચીનથી કોઈ જોખમ નથી
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસે ગ્રીનલેન્ડ પર ચીનનું જોખમ છે, એવા દાવા કર્યા હતા. રાસ્મસ જાર્લોવે આ દાવાઓને નકારતા કહ્યું છે કે, “ગ્રીનલેન્ડ પર કોઈ જોખમ નથી. વાસ્તવિક જોખમ તો અમેરિકાથી છે. ચીનના જોખમની વાત જુઠ્ઠી છે. અહીં ચીનની કોઈ ગતિવિધિ નથી. ન કોઈ દૂતાવાસ, ન ખનન, ન સેનાની હાજરી. ગ્રીનલેન્ડમાં ચાઈનીઝ રેસ્ટોરન્ટ શોધવી પણ મુશ્કેલ છે.”
આ પણ વાંચો…‘અમે પહેલા ગોળી મારીશું, પ્રશ્નો પછી પૂછીશું’ ગ્રીનલેન્ડ મામલે ડેન્માર્કની ટ્રમ્પને ચેતવણી…



